– સાયબર કૌભાંડમાં સંડોવાયેલા વોટ્સએપ એકાઉન્ટ પર પણ કેન્દ્ર સરકારની તવાઈ આવશે
– આઈ4સીનો રિપોર્ટ પર કેન્દ્રની કાર્યવાહી : સાયબર ગુનેગારો હવે લોકોને ડિજિટલ અરેસ્ટ કરવા નવા એકાઉન્ટ બનાવી નહીં શકે
– ડિવાઈસ આઈડીમાં આઈએમઈઆઈ નંબર, મેક એડ્રેસ, ડિવાઈસ સિરિયલ નંબર, એડવર્ટાઈઝિંગ નંબર સામેલ
નવી દિલ્હી: દેશમાં જનતાને વિશેષરૂપે વૃદ્ધો અને મહિલાઓને ડિજિટલ અરેસ્ટ કરી તેમની પાસેથી રૂપિયા પડાવવાના કિસ્સા સતત વધી રહ્યા છે ત્યારે હવે આ પ્રકારના ગુના રોકવા કેન્દ્ર સરકારે મોટી તૈયારી હાથ ધરી છે. કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપને ડિજિટલ અરેસ્ટના કૌભાંડમાં સંડોવાયેલા એકાઉન્ટની સાથે ડિવાઈસ આઈડી બ્લોક કરવા માટે આદેશ આપ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે સાયબર વિંગ ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (આઈ૪સી)ના રિપોર્ટના આધારે વોટ્સએપને ડિજિટલ અરેસ્ટના કૌભાંડમાં સંડોવાયેલી ડિવાઈસના આઈડી બ્લોક કરવા આદેશ આપ્યો છે. રિપોર્ટ મુજબ લોકોને ડિજિટલ અરેસ્ટ કરવા માટે સાયબર ઠગ મોટાભાગે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ કરે છે.
સાયબર ગુનેગારો વોટ્સએપ પર એકાઉન્ટ બનાવી વોટ્સએપ ફોન અને વીડિયો કોલ કરે છે.
મેસેજ મોકલી લોકોને પોતાની જાળમાં ફસાવે છે. દરેક નવા સ્કેેમ માટે નવું આઈડી બનાવી લે છે. આથી માત્ર એકાઉન્ટ બ્લોક કરવાથી મૂળ આશય પૂરો થતો નથી. પરિણામે હવે સરકારે સાયબર ગુના માટે જે સ્માર્ટફોન કે ડિવાઈસનો ઉપયોગ થયો હોય તેને જ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.
દરેક સ્માર્ટફોન, ટેબ્લેટ અથવા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની ઓળખ માટે જે યુનિક નંબર હોય છે તેને ડિવાઈસ આઈડી કહે છે. આ નંબર ભારતમાં ૧૨ અંકોનો હોય છે.
કોઈપણ ડિવાઈસ આઈડીમાં આઈએમઈઆઈ નંબર મેક એડ્રેસ, ડિવાઈસ સિરિયલ નંબર, એડવર્ટાઈઝિંગ નંબરનો ઉલ્લેખ હોય છે. આઈએમઈઆઈ નંબર સિમથી ચાલતા ફોનની ઓળખ માટે હોય છે.
મેક એડ્રેસ કોઈપણ વાઈ-ફાઈ અથવા ઈન્ટરનેટ નેટવર્કની ઓળખ માટે હોય છે. ડિવાઈસ સિરીઝ નંબર કંપની પૂરો પાડે છે. એડવર્ટાઈઝિંગ આઈડી નંબર મોબાઈલ એપ અથવા જાહેરાતો માટે હોય છે.
વધુમાં સૂત્રોએ જણાવ્યું કે, વોટ્સએપ જેવી અનેક મેસેજિંગ એપ સ્કાયપે જેવા સુરક્ષા ફિચર્સ લાગુ કરી શકે છે. આઈટી નિયમ ૨૦૨૧ હેઠળ ડિલીટ એકાઉન્ટનો ડેટા ૧૮૦ દિવસ સુધી સુરક્ષિત રાખવાનો સરકારનો પ્રયાસ છે, જેથી સાયબર ગુના ઉકેલવામાં તપાસ એજન્સીઓને મદદ મળી શકે.















