![]()
Dahod News : દાહોદ નજીક આવેલા અભલોડ ગામે મહાદેવ મંદિર ખાતે આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં અચાનક મધમાખીના ઝુંડે હુમલો કરતાં અફરાતફરીનો માહોલ છવાયો હતો. મધમાખીના હુમલામાં ઝેરી ડંખના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 5થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
દાહોદના અભલોડ ગામે મધમાખીના હુમલામાં એકનું મોત
મળતી માહિતી મુજબ, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના અભલોડ ગામ ખાતે મહાદેવ મંદિરમાં જળાભિષેક અને પૂજાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. સમગ્ર મામલે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, આ પ્રસંગમાં DJ વગાડતાં ભારે ઘોંઘાટ અને ધ્રુજારી થઈ હતી. જેને લઈને મંદિર પરિસરમાં રહેલા મધપૂડામાંથી મધમાખીઓ ઉડવા લાગી હતી અને મંદિરમાં હાજર લોકો પર અચાનક હુમલો કરી દીધો હતો.
આ પણ વાંચો: વડોદરા: નેશનલ હાઈવે પર ફાજલપુર ગામ નજીક ટ્રકચાલકે બાઇકને અડફેટે લીધું, બેના મોત, એક ગંભીર
ઝેરી મધમાખીના હુમલાની ઘટનામાં ઘણાં લોકોને મધમાખીએ ડંખ માર્યા હતા. જેમાં 8 જેટલાં લોકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં ઝેરી ડંખના કારણે બાબુ ધોળાભાઈ માળી નામના યુવકનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોમાં શોકનો માહોલ છવાયો છે.















