![]()
India on Russian Oil: ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક વચગાળાના વેપાર કરાર (Trade Deal) બાદ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે શનિવારે મહત્ત્વનું નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે, ભારત સરકાર માટે દેશવાસીઓની ઉર્જા સુરક્ષા સર્વોપરી છે અને તમામ નિર્ણયો દેશહિતમાં જ લેવામાં આવશે.
ઉર્જા સુરક્ષા અને વ્યૂહરચના
વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશ માટે ઉર્જા સ્ત્રોતોનું વૈવિધ્યીકરણ એ વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે. 1.4 અબજ ભારતીયોને પોસાય તેવી અને સતત ઉર્જા મળી રહે તે સુનિશ્ચિત કરવું સરકારની પ્રાથમિક જવાબદારી છે. આંતરરાષ્ટ્રીય બજાર અને બદલાતા વૈશ્વિક પરિદૃશ્ય મુજબ ભારત પોતાના હિતમાં ઉર્જા સ્ત્રોતોની પસંદગી કરવાનું ચાલુ રાખશે.’
આ પણ વાંચો: ‘હીરા અને દવાઓ પર 0% ટેરિફ, ખેડૂતો-ડેરીના હિતો સુરક્ષિત’, US-ભારત ટ્રેડ ડીલ અંગે પિયૂષ ગોયલે આપી માહિતી
અમેરિકાએ 25% ‘દંડાત્મક ડ્યુટી’ હટાવી
આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે શનિવારે જ અમેરિકાએ મોટો નિર્ણય લીધો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા, જેનાથી ગયા વર્ષે ઓગસ્ટમાં રશિયન ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ ભારત પર લાદવામાં આવેલી 25% દંડાત્મક આયાત ડ્યુટી હટાવી લેવામાં આવી છે.
અમેરિકા તરફથી એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત ધીમે-ધીમે બંધ કરવા અને તેના બદલે અમેરિકા પાસેથી ઉર્જા ઉત્પાદનો ખરીદવા પ્રતિબદ્ધ છે. જોકે, ભારત સરકાર આ મુદ્દે સ્પષ્ટ ‘હા’ કે ‘ના’ કહેવાનું ટાળી રહી છે.
જ્યારે વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલને રશિયા પાસેથી તેલ ખરીદવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે કુનેહપૂર્વક જણાવ્યું કે, ‘આ વિષય વિદેશ મંત્રાલયના કાર્યક્ષેત્રમાં આવે છે અને તેઓ જ તેનો જવાબ આપશે.’
આગામી 10 વર્ષનું વિઝન
નોંધનીય છે કે ભારત અને અમેરિકા વચ્ચે માત્ર વેપાર જ નહીં, પરંતુ આગામી 10 વર્ષો માટે સંરક્ષણ સહયોગ વધારવા માટે પણ એક માળખાકીય સમજૂતી થઈ છે. અમેરિકા માને છે કે ભારત રશિયા પરની પોતાની નિર્ભરતા ઘટાડીને અમેરિકા સાથે ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રે મજબૂત ભાગીદારી કરશે.















