![]()
– પૂર્વ મંજૂરી વગર સોસા.માં ઘૂસી રહીશો સાથે ઉદ્ધત વર્તન કર્યાનો આક્ષેપ
– સ્માર્ટ મીટર લગાવવા રહીશોને છેડછાડના કેસમાં ફસાવવાની ધમકી આપતા ચકચાર, કાર્યપાલક ઈજનેરને ફરિયાદ અપાઈ
નડિયાદ : નડિયાદના વાણિયા વાડ વિસ્તારમાં આવેલી યશ કમલ સોસાયટીમાં એમજીવીસીએલના કર્મચારીએ પૂર્વ મંજૂરી વગર ઘૂસી જઈ રહીશો સાથે ઉદ્ધત વર્તન કર્યું હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. બિલ ભરવાની મુદત બાકી હોવા છતાં કનેક્શન કાપવાની ધમકી આપી સ્માર્ટ મીટર સ્વીકારવા દબાણ કરાતા રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે રહીશોએ ઉચ્ચ સ્તરે લેખિત ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી છે.
નડિયાદના કોલેજ રોડ પર આવેલી યશ કમલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ગત તારીખ ૧૩ માર્ચ ૨૦૨૬ના રોજ સવારે વી.આર.માલી નામનો આસિસ્ટન્ટ લાઇનમેન શંકાસ્પદ હાલતમાં મીટર બોક્સ પાસે ફરતો મળી આવ્યો હતો. સોસાયટીના રહીશોએ પૂછપરછ કરતા તેણે શરૂઆતમાં ગોળ-ગોળ જવાબ આપ્યા હતા, પરંતુ આઈડી કાર્ડ માંગતા તે વસો સબ ડિવિઝનનો કર્મચારી હોવાનું બહાર આવ્યું હતું. આ કર્મચારીએ બાકી બિલના નામે કનેક્શન કાપવાની ધમકી આપી હતી, જ્યારે હકીકતમાં બિલ ભરવાની છેલ્લી તારીખ ૨૦-૦૩-૨૦૨૬ હતી. આમ, સમય મર્યાદા બાકી હોવા છતાં રહીશોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સોસાયટીના રહીશોએ જ્યારે લાઇનમેનના ઉપરી અધિકારી સાથે ફોન પર વાત કરી ત્યારે તેમણે પણ અત્યંત ઉદ્ધત ભાષામાં જવાબ આપ્યો હતો કે તેમની પાસે બધી સત્તા છે અને તેઓ ગમે ત્યારે ગમે ત્યાં આવી શકે છે, તેવા આક્ષેપો થઈ રહ્યાં છે. સોસાયટીમાં મોટાભાગે સિનિયર સિટિઝન રહેતા હોવાથી કર્મચારીઓના આવા વર્તનને કારણે વૃદ્ધોમાં ભય અને અસુરક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે અમજીવીસીએલના સ્ટાફ દ્વારા અવારનવાર મીટરનો સીલ તોડી નાખવામાં આવે છે અને ત્યારબાદ ગ્રાહકોને છેડછાડના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી સ્માર્ટ મીટર લગાવવા મજબૂર કરવામાં આવે છે.
આ સમગ્ર ઘટનાને રહીશોએ ગંભીર ગુનાહિત ષડયંત્ર ગણાવ્યું છે. અગાઉ પણ જૂન ૨૦૨૫માં ઇન્ટેલીસ્માર્ટ કંપનીના માણસોએ બળજબરીથી મીટર બદલવાનો પ્રયાસ કર્યો હતો, જેનો રહીશોએ વિરોધ કર્યો હતો. ત્યારથી આ હેરાનગતિ સતત વધી રહી છે. રહીશોએ હવે આ મામલે કાર્યપાલક ઈજનેરને ફરિયાદ આપી છે કે, જો ૨૪ કલાકમાં જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ અને કડક પગલાં લેવામાં નહીં આવે તો તેઓ ગ્રાહક સુરક્ષા ફોરમ અને હાઈકોર્ટના દ્વાર ખખડાવશે.
બિલની મુદત બાકી છતાં કનેક્શન કાપવાનો પેંતરો
નિયમ મુજબ વીજ બિલ ભરવાની છેલ્લી તારીખ સુધી ગ્રાહકને સમય આપવો અનિવાર્ય છે. યશ કમલ સોસાયટીના કિસ્સામાં બિલ ભરવાની તારીખ ૨૦ માર્ચ હોવા છતાં તેના એક અઠવાડિયા પહેલા જ લાઇનમેન કનેક્શન કાપવા પહોંચી ગયો હતો. કોઈ પણ સત્તાવાર ડયુટી ઓર્ડર વગર ખાનગી પ્રોપર્ટીમાં ઘૂસવું એ ઇલેક્ટ્રિસિટી એક્ટ ૨૦૦૩ની કલમ ૧૬૩ નું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
સીલ તોડી નાણાં પડાવવાનું સુનિયોજિત કાવતરું
રહીશોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, એમજીવીસીએસના કર્મચારીઓ મીટર ચેકિંગના બહાને આવે છે અને છૂપી રીતે સીલ તોડી નાખે છે. ત્યારબાદ સીલ તૂટેલી હોવાનું જણાવી ગ્રાહકો પાસેથી પતાવટ પેટે નાણાંની માંગણી કરવામાં આવે છે. આ પ્રકારની એક્સટોર્શન પ્રવૃત્તિ દ્વારા ગ્રાહકોને સ્માર્ટ મીટર સ્વીકારવા માટે માનસિક રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યા છે.















