![]()
Panchmahal News: પંચમહાલના શહેરા નગર સહિત 14થી વધુ ગામોમાં એમજીવીસીએલની 19 ટીમોએ વીજ ચેકિંગ હાથધરી વિજ ચોરો સામે સપાટો બોલાવ્યો હતો. 69 જેટલા વિજ કનેક્શનોમાં 11.29 લાખ રૂપિયાની વિજ ચોરી પકડી પાડી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી. વિજ ચેકીંગની કામગીરી દરમિયાન વાડી અને વલ્લવપુર ગામમાં સૌથી વધુ 3.81 લાખ રૂપિયાની વિજ ચોરી ઝડપાઇ હતી.
કયા વિસ્તારોમાં થઈ કાર્યવાહી?
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીડિટે તથા મધ્ય ગુજરાત વિજ કંપનીના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગુરૂવારે (12મી ફેબ્રુઆરી) શહેરા 1 સબ ડિવિઝનના વલ્લવપુર, નાથુજીના મુવાડા, વાડી, નવાગામ, ખાંડીયા તેમજ મહાલક્ષ્મી અને શહેરા સીટી એમ સાત ફીડરમાં આવતા અણીયાદ, મીઠાપુર, ખરેડીયા, બોડીદ્રાખુર્દ, ધારાપુર, બીલીથા, નરસાણા, છાણીપ, વાડી, વલ્લવપુર, નવાગામ, ધમાઈ, ધરોલા, ખાંડીયા, ખાંટના મુવાડા, બાહી સહિતના વિવિધ ગામોમાં અને શહેરા નગર તેમજ આસપાસના વિસ્તારમાં એમજીવીસીએલની 19 ટીમો દ્વારા પોલીસને સાથે રાખી રહેણાંક મકાનો અને દુકાનોના 614 જેટલા વિજ કનેકશનમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 69 જેટલા વીજ જોડાણોમાં વીજ ચોરી જેવી કેટલીક ગેરરીતિ સામે આવતા અંદાજીત 11.29 લાખ રૂપિયાની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી,જેને લઈને વીજ ચોરી કરનારા ઈસમો પાસેથી એમજીવીસીએલ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો
નોંધનીય છે કે, એમજીવીસીએલની વીજ ચેકિંગની કામગીરી દરમિયાન વાડી અને વલ્લવપુર આ બે ગામમાં માત્ર 18 કનેક્શનમાંથી જ સૌથી અંદાજીત 3.81 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઇ હતી. જોકે, એમજીવીસીએલની ટીમોએ વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી વિજ ચોરો સામે સપાટો બોલાવતા લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી દંડનીય કાર્યવાહી કરવામાં આવતા વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
















