![]()
– આસ્થા અને પરંપરાનો અનોખો સંગમ
– હોળીના પવિત્ર અંગારા પર ચાલવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે, ઘણાં લોકો બાધા પૂરી કરવા આ દિવસે અહીં આવે છે : ગ્રામજનો
નડિયાદ : ખેડા જિલ્લાના પલાણા ગામમાં હોળીના પર્વે આસ્થા અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. હોળી દહન બાદ ગ્રામજનો દ્વારા ધગધગતા અંગારા પર ચાલવાની પરંપરા અહી વર્ષોેથી ચાલી આવે છે. આ દ્રશ્યોે જોવા માટે માત્ર પલાણા જ નહીં પરંતુ, આસપાસના અનેક ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયાં હતા. હોળીની જ્વાળાઓ બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવું એ અહીંની હોળીની વિશેષતા અને પરંપરા છે.
પલાણા ગામમાં દર વર્ષે હોળીના તહેવારની ઉજવણી કંઈક અલગ રીતે કરવામાં આવે છે. ગામના ચોકમાં હોળી પ્રગટાવવામાં આવે છે અને ત્યાર બાદ વિધિવત્ પૂજા અર્ચના કરવામાં આવે છે. હોળી દહન પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ્યારે લાકડા બળીને લાલચોળ અંગારામાં ફેરવાય છે, ત્યારે શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે આ અંગારા પર ચાલે છે. આ પરંપરા પાછળ ગ્રામજનોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. ગ્રામજનોનું માનવું છે કે, હોળીના આ પવિત્ર અંગારા પર ચાલવાથી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. અનેક લોકો પોતાની બાધા કે આખડી પૂરી કરવા માટે આ દિવસે અહી પહોંચે છે. નવાઈની વાત એ છે કે, ધગધગતા અંગારા હોવા છતાં આ રીતે ચાલતા શ્રદ્ધાળુઓના પગમાં કોઈ ઈજા કે દાઝયાના નિશાન જોવા મળતા નથી, જેને લોકો ભગવાનનો ચમત્કાર માને છે. આ પ્રક્રિયામાં નાના બાળકોથી લઈને વડીલો પણ હોંશે હોંશે જોડાય છે. આ પરંપરાને નિહાળવા માટે ખેડા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી શ્રદ્ધાળુઓ પલાણા પહોંચતા હોય છે. ગામના મુખ્ય ચોકમાં જ્યાં હોળીનું આયોજન કરવામાં આવે છે ત્યાં ચારે તરફ લોકોની ભારે ભીડ જોવા મળે છે. સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક યુવક મંડળો અને અગ્રણીઓ દ્વારા પણ પૂરતી તકેદારી રાખવામાં આવે છે. લોકો જય રણછોડના નાદ સાથે અંગારા પર દોડતા નજરે પડે છે.
પલાણામાં હોળીના દિવસે આ પ્રકારના દ્રશ્યો વર્ષોથી જોવા મળે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ પરંપરા તેમના પૂર્વજોના સમયથી ચાલી આવે છે અને આજના આધુનિક યુગમાં પણ નવી પેઢી આ આસ્થાને તેટલા જ ઉત્સાહથી જાળવી રહી છે. હોળીના અંગારા પર ચાલતા પહેલા શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરીને શુદ્ધ થઈને આ વિધિમાં ભાગ લેતા હોય છે. સમગ્ર ખેડા જિલ્લામાં આ ઘટના ઉત્સુકતાનો વિષય બને છે. પલાણા ગામની આ વિશિષ્ટ રીતભાતને કારણે હોળીના દિવસે આ ગામ આસ્થાનું કેન્દ્ર બને છે. આ પરંપરા માત્ર એક ધામક વિધિ બનીને નથી રહી પરંતુ ગ્રામીણ સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક પણ બની ગઈ છે. લોકો પોતાની શ્રદ્ધા મુજબ માનતા માને છે અને આ રીતે અંગારા પર ચાલીને ધન્યતા અનુભવે છે.















