![]()
ગાંધીનગર નજીક આવેલા
વરસોડા ગામના ચાર યુવાનો સામે પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો
ગાંધીનગર: ગાંધીનગરના પીંડારડા પાટીયા પાસે અદાવત રાખીને એક યુવક અને તેના પિતરાઈ ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગના વરઘોડામાં થયેલી બોલાચાલીનું સમાધાન કરવા ગયેલા યુવકની ગાડીના કાચ પથ્થરો મારી તોડી નાખવામાં આવ્યા હતા અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પીપળજ ગામના રહેવાસી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પ્રતિકસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલાના કાકાના દીકરા જયપાલસિંહને ગામમાં લગ્નના વરઘોડા દરમિયાન જયવીરસિંહ વાઘેલા સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતનું સમાધાન કરવા માટે પ્રતિકસિંહને તેમના ફોઈના દીકરા સિધ્ધરાજસિંહે ફોન કરીને પીંડારડા પાટીયા પાસે આવેલી હોટલ પર બોલાવ્યા હતા. પ્રતિકસિંહ પોતાની ગાડી લઈને ત્યાં પહોંચ્યા ત્યારે વરસોડા ગામના આદિત્યસિંહ ચાવડા અને દિગ્વીજયસિંહ સહિત અન્ય બે અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. આ શખ્સોએ તારો ભાઈ કાલે બહુ બોલતો હતો તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. ઉશ્કેરાયેલા દિગ્વીજયસિંહે પોતાના ખિસ્સામાંથી તીક્ષ્ણ હથિયાર કાઢી પ્રતિકસિંહ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં વચ્ચે પડેલા સિધ્ધરાજસિંહને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ હુમલા દરમિયાન પથ્થરમારો કરી પ્રતિકસિંહની થાર ગાડીના કાચ તોડી નાખ્યા હતા. ઝપાઝપી દરમિયાન પ્રતિકસિંહ પહેરેલી સોનાની ચેઈન પણ તૂટીને ક્યાંક ગુમ થઈ ગઈ હતી. આસપાસના લોકો એકઠા થઈ જતાં હુમલાખોરો આજે તો તું બચી ગયો છે, ફરી મળીશ તો જીવતો નહીં મૂકીએ તેવી ધમકી આપી ત્યાંથી નાસી છૂટયા હતા. આ ઘટના અંગે પ્રતિકસિંહ વાઘેલાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આદિત્યસિંહ ચાવડા, દિગ્વીજયસિંહ અને અન્ય બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.















