![]()
– નડિયાદ ડિવિઝનના પાંચ પોલીસ સ્ટેશનો દ્વારા પકડાયેલો
– 42,000 થી વધુ બોટલો પર બુલડોઝર ફેરવાયું : 4 વર્ષમાં રૂ. 20 કરોડના દારૂનો નાશ કરાયો
નડિયાદ : ખેડા જિલ્લામાં નડિયાદ પોલીસ ડિવિઝન આવેલા પાંચ પોલીસ સ્ટેશન દ્વારા જુદાજુદા સ્થળેથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ વિદેશી દારૂના જથ્થાનો નડિયાદ પીજ ચોકડી ખાતે સર્વિસ રોડ ઉપર લાવી રૂ.૧.૨૧ કરોડ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂની ૪૨,૦૦૦થી વધુ બોટલો પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
નડિયાદ ડિવિઝનની હદમાં આવેલ નડિયાદ રૂલર, નડિયાદ પશ્ચિમ, ચકલાસી, વસો તેમજ વડતાલ પોલીસ સ્ટેશન દ્વારા જુદાજુદા સ્થળેથી રેડ કરી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી, નડિયાદ શહેર તેમજ ગ્રામ્ય મામલતદાર તેમજ તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોની ઉપસ્થિતિમાં વિદેશી દારૂનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં નડિયાદ પોલીસ ડીવિઝનમાં આવેલા પાંચ પોલીસ સ્ટેશન દ્વારા જુદાજુદા સ્થળેથી ઝડપી પાડવામાં આવેલ રૂ.૧.૨૧ કરોડ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂની બોટલ કુલ નંગ ૪૨,૦૦૦નો જથ્થો જે-તે પોલીસ સ્ટેશનમાંથી વાહનોમાં ભરી પીજ ચોકડી લાવવામાં આવ્યો હતો. આ વિદેશી દારૂની બોટલો સર્વિસ રોડ ઉપર પાથરી તેની ઉપર બુલડોઝર ફેરવી વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા ચાર વર્ષમાં નડિયાદ ડિવિઝનમાં આવેલ પાંચ પોલીસ સ્ટેશનો દ્વારા ઝડપી પાડવામાં આવેલ રૂ.૨૦ કરોડ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે.















