![]()
મુંબઈ : અમેરિકા દ્વારા બાંગલાદેશના ચોક્કસ પ્રકારના ગારમેન્ટસ પર શૂન્ય ટેરિફ લાગુ કરવાના નિર્ણયથી ભારતના ટેકસટાઈલ ક્ષેત્ર સામે નવેસરથી પડકારો ઊભા થયા છે. દેશના ટેકસટાઈલ ક્ષેત્ર સામે નિકાસ બજારમાં બાંગલાદેશ એક મોટો હરિફ છે. અમેરિકાએ ભારત પરના ટેરિફ ઘટાડી ૧૮ ટકા કરવાની કરેલી જાહેરાત બાદ ટેકસટાઈલ ક્ષેત્રએ રાહતનો દમ લીધો હતો જે ટૂંકજીવી નિવડયો હોવાનું હાલમાં જણાય છે.
બાંગલાદેશના માલસામાન પરના ટેરિફને ૨૦ ટકા પરથી ઘટાડી ૧૯ ટકા કરાયો છે. પરંતુ અમેરિકાના રૂનો ઉપયોગ કરી ટેકસટાઈલ તથા એપરલ પ્રોડકટસના ઉત્પાદન પર શૂન્ય ટકા ટેરિફની અમેરિકા તથા બાંગલાદેશ વચ્ચે કરાર થયાનું પ્રાપ્ત અહેવાલો જણાવે છે.
ભારત તથા બાંગલાદેશ વચ્ચે ટેરિફનો તફાવત હવે ઘટી એક ટકા જ રહ્યો છે. અમેરિકાના શૂન્ય ટેરિફની ઓફર ઉપરાંત બાંગલાદેશ દ્વારા જો અમેરિકાના રૂની આયાત વધશે તો ભારતના રૂની બાંગલાદેશ ખાતે નિકાસ પર અસર પડશે એમ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીના સુત્રોએ ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતું.
નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં ભારત ખાતેથી બાંગલાદેશમાં કોટન યાર્ન, ફેબ્રિકસ, મેડ અપ્સ તથા હેન્ડલુમ પ્રોડકટસની નિકાસનો આંક ૨.૩૯ અબજ ડોલર રહ્યો હતો. મૂલ્યની દ્રષ્ટિએ સદર પ્રોડકટસની નિકાસનો આ આંક સૌથી ઊંચો રહ્યો હતો. કયા માલસામાન પર શૂન્ય ડયૂટી લાગુ થશે તે અંગેની અંતિમ રૂપરેખા હજુ તૈયાર થઈ નથી.
ભારતના ટેકસટાઈલ પ્રોડકટસ પર રેસિપ્રોકલ ડયૂટી ૫૦ ટકા પરથી ઘટાડી ૧૮ ટકા કરાઈ છે. ભારતને શૂન્ય ડયૂટી જેવી કોઈ ઓફર પ્રાપ્ત થઈ નહીં હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
ભારતની ટેકસટાઈલ નિકાસને ટેકો મળી રહે માટે આવાજ પ્રકારના કન્સેસન મળે તે જરૂરી હોવાનું તિરુપુર એકસપોર્ટર્સ’ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું.
કોટન ટેકસટાઈલ તથા નિટવેર માટે તિરુપુર ભારતનું સૌથી મોટું ઉત્પાદન મથક છે. અમેરિકાના રૂ દ્વારા ભારતમાં ગારમેન્ટસના ઉત્પાદનથી દેશના ખેડૂતોને નુકસાન નહીં પહોંચે એવો એસોસિએશન વતિ દાવો કરયો છે. ભારતને પણ આવા કન્સેસન મળી રહે તે માટે સરકારે અમેરિકા સમક્ષ આ મુદ્દો ઉઠાવવો જોઈએ તેવી તેમણે માગણી કરી હતી.
એપ્રિલ થી નવેમ્બર, ૨૦૨૫ સુધી અમેરિકા ખાતે બાંગલાદેશની ગારમેન્ટ નિકાસ ૭.૬૦ અબજ ડોલર રહી હતી જ્યારે ભારત માટે આ આંક ૩.૨૬ અબજ ડોલર રહ્યો હતો.

















