અમદાવાદ,શુક્રવાર,3
એપ્રિલ,2026
વર્ષ-૧૯૮૦માં ભાજપની સ્થાપના થઈ. છ વર્ષ પછી અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી. એ સમયથી ખાડીયા વોર્ડ ભાજપનો ગઢ ગણાઈ
રહયો છે. વર્ષ-૨૦૨૬માં પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે.વોર્ડમાં વ્યાપક પ્રમાણમાં
કોમર્શિયલ બાંધકામ થવાના કારણે મોટાભાગની પોળો ખાલી થઈ ગઈ છે. વર્ષ-૨૦૨૧માં
યોજાયેલી ચૂંટણીની સરખામણીમાં આ વખતે ૨૫૪૫૯ મતદારો ઘટયા છે. આમછતાં આ વખતે ચાર
બેઠક માટે બાવન લોકોએ ટિકીટ માટે દાવેદારી કરી હોવાનું આધારભૂતસૂત્રોમાંથી જાણવા
મળ્યુ છે.આ વખતે કોંગ્રેસ કે અન્ય પક્ષ જો કોઈ મજબૂત ઉમેદવારને મેદાનમાં ઉતારશે તો
વર્ષો પછી ભાજપની પેનલમાં ભંગાણ પણ પડી શકે છે.
ખાડીયા ગોલવાડમાં એક સમયે જનસંઘની નાની ઓફિસ ૧૯૮૦ના દાયકામા
આખા અમદાવાદ માટેની ઓફિસ બની હતી. ખાડીયા વોર્ડમાં ૧૯૮૭થી લઈ છેક વર્ષ-૨૦૨૧ સુધી
મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ ચૂંટણી યોજાઈ તે તમામમાં ભાજપની પેનલ જીતી છે.
એટલે કે તમામ કોર્પોરેટરો ભાજપના જ હોય એવી પરંપરા બની ગઈ હતી.વર્ષ-૨૦૧૭માં
વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી એ વખતે ખાડિયા વિધાનસભાને જમાલપુર બેઠક સાથે મેળવી
દઈને જમાલપુર-ખાડીયા વિધાનસભા બેઠક તરીકે ઓળખ આપવામા આવી હતી. આ બાબત ભાજપની શીર્ષ
નેતાગીરી સુપેરે જાણતી હોવા છતાં પણ ખાડીયાની પોળોમાથી હીજરત કરી જતા પરિવારોને
રોકવાના કોઈ જ નકકર પ્રયાસ કરવામા આવ્યા નહીં. ભાજપના જ પૂર્વ ધારાસભ્ય, પૂર્વ
કોર્પોરેટરોએ પોળોમાં રહેણાંક મિલકતોને કોમર્શિયલ ગોડાઉનમાં ફેરવી નાંખી હોવાના
આક્ષેપ વર્ષોથી સ્થાનિક રહીશો તરફથી થતા આવ્યા છે. સ્થાનિક રહીશોમા થતી ચર્ચા મુજબ, ગત ચૂંટણીની
સરખામણીમાં આ વખતે મતદારો ઘટયા છે અને આ પરિસ્થિતિમાં ૨૬ એપ્રિલ-૨૬ના રોજ જે મતદાન
થવાનુ છે.તેમાં ખાડીયા વોર્ડમાં ટકાવારીની દ્રષ્ટિએ મતદાન ઓછુ થશે તો ભાજપના ચાર
પૈકી કોઈપણ એક ઉમેદવારને સો ટકા ઘરે બેસવાનો વારો આવશે એ બાબત નિશ્ચિત છે.
એક સામાન્ય પુરુષ બેઠક ઉપર દાવેદારી કરવા છેલ્લી ઘડીના
હવાતીયા
ખાડીયા વોર્ડમાં કાલુપુર ટંકશાળ રોડ,ઘીકાંટા સહિતનો
કેટલોક વિસ્તાર કાલુપુર વિધાનસભાનો વિલય કરવામા આવતા ખાડીયા વોર્ડમાં ભેળવવામા
આવ્યો છે.વર્ષ-૨૦૨૬માં રોટેશન મુજબ ખાડીયા વોર્ડમાં એક પુરુષ સામાન્ય અને એક
અનુસુચિત જાતિના ઉમેદવારને કોઈપણ પક્ષે ટિકીટ આપવી પડે એમ છે. આ પરિસ્થિતિમાં
ખાડિયા વોર્ડના પૂર્વ કોર્પોરેટરે મતદારોના નામે એક પત્રિકા તૈયાર કરી પોતે સારા
કામ કર્યા હોવાનુ પ્રસ્થાપિત કરવા લોકોની સહીઓ ઉઘરાવી પાર્ટી ઉપર દબાણ લાવવાની
સ્ટ્રેટેજી અપનાવતા મોવડીમંડળ પણ ચોંકી ઉઠયુ છે.પૂર્વ કોર્પોરેટરે તો ત્યાં સુધી
ચિમકી આપી છે કે,જો ભાજપ
ટિકીટ નહીં આપે તો તે આપમાંથી ચૂંટણી લડશે. આ પૂર્વ કોર્પોરેટરની વિરુધ્ધમાં
શુક્રવારે સેન્સ પ્રક્રીયા સમયે નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરવામા આવી હતી.
ખાડીયા વોર્ડની ડેમોગ્રાફી….
–૨૦૨૧ની
મ્યુનિ.ચૂંટણીમાં વોર્ડમાં કુલ ૯૭૭૭૬
મતદાર હતા.
–૨૦૨૬ની
મ્યુનિ.ચૂંટણીમાં વોર્ડમાં કુલ ૭૨૩૧૭
મતદાર મત આપશે.
–ખાડીયા
વોર્ડમાં દરિયાપુર વિધાનસભાના ૩૦ બુથ
–ખાડીયાવિધાનસભાના
૪૦ બુથ
–દાણીલીમડા
વિધાનસભાના ૧૩ બુથ
–કુલ
બુથ-૮૩
–લઘુમતી વિસ્તારના બુથ- ૧૭
–બહુમતી
વિસ્તારના બુથ-૩૧
–મિકસ
બુથ-૩૫
–બહુમતી
મતદાર-૪૨૩૯૧
–લઘુમતી
મતદાર-૨૯૯૨૬
કયા વિસ્તારના મત નિર્ણાયક બની રહેશે?
ખાડીયા વોર્ડમાં વાયડા પોળ, રહેમાન પોળ,
સાહીવાળી પોળ, દાંડીગરાની
પોળ, શેખ
હિરજીની પોળ, ખિસકોલી
પોળ, સોદાગરની
પોળ, નવી
મહોલાત, હરણવાળી
પોળ, ઝકરીયા
મસ્જિદ,પટવા
શેરી, ભોઈવાડાની
પોળ,બંદારાનો
ખાંચો, હજીરાની
પોળ, ઘડીયાની
પોળ, ધુપેલવાળી
પોળ, પીપળાવાળી
પોળ, વાણીયા
શેરી, માતાવાળી
પોળ, જીવણપોળ
તથા કુંભારગલી, લીસાની
ખડકી, કાલુપુર
ટાવર રોડથી લઈ ઢાલગરવાડ સુધીના વિસ્તારમાં મતદાન કેટલુ થાય છે તેના ઉપર કોઈ પણ
ઉમેદવારની હાર કે જીત નકકી થઈ શકશે.















