India-Netherlands Strategic Partnership : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નેધરલેન્ડના વડાપ્રધાન રોબ જેટેન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, જેમાં બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બંને નેતાઓએ યુદ્ધના કારણે પશ્ચિમ એશિયામાં ઉભી થયેલી સ્થિતિ પણ ચર્ચા કરી છે. આ ઉપરાંત અનેક ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા માટે પણ વિચાર-વિમર્શ કરાયો છે.
ભારત-નેધરલેન્ડના સંબંધો મજબૂત કરવા પર ચર્ચા
આ વાતચીત અંગે માહિતી આપતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ‘નેધરલેન્ડના વડાપ્રધાન રોબ જેટેન સાથે વાત કરીને ખૂબ આનંદ થયો, અમે ભારત અને નેધરલેન્ડના સંબંધોને મજબૂત કરવાના રસ્તાઓ પર ચર્ચા કરી છે. અમે સેમિકન્ડક્ટર, વિશાળ જળ પરિયોજનાઓ, ગ્રીન હાઈડ્રોજન અને ટેલેન્ટ મોબિલિટી જેવા ક્ષેત્રોમાં ભાગીદારીની શક્યતાઓ પર પ્રકાશ પાડ્યો છે.’
પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ અંગે પણ ગંભીર ચર્ચા કરી
આ ઉપરાંત બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ અંગે પણ ગંભીર વિચાર-વિમર્શ કર્યો હતો. પીએમ મોદીએ આ ક્ષેત્રમાં શાંતિ જાળવવાનો સંદેશ આપતા કહ્યું કે ‘પશ્ચિમ એશિયાની સ્થિતિ પર વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું અને આ વિસ્તારમાં શાંતિ તથા સ્થિરતાની વહેલી તકે પુનઃસ્થાપનાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.’ નોંધનીય છે કે જાન્યુઆરીમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી (FTA) બાદ આ મંત્રણા ઘણી મહત્વની માનવામાં આવે છે.
Our ties with India are growing stronger and stronger. Earlier this year, the EU and India concluded a major trade agreement, and the Netherlands and India are developing a strategic partnership that includes defence, water management, innovation and trade. With everything going… pic.twitter.com/65FQvOLujW
— Rob Jetten (@MinPres) March 30, 2026
આ પણ વાંચો : NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો
જેટેને PM મોદીને નેધરલેન્ડ આવવા આમંત્રણ આપ્યું
બીજી તરફ, નેધરલેન્ડના વડાપ્રધાન રોબ જેટેને પણ આ વાતચીતને આવકારી છે અને ભારત સાથેના ગાઢ બનતા સંબંધોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ‘ભારત સાથેના અમારા સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે, નેધરલેન્ડ અને ભારત સંરક્ષણ, જળ વ્યવસ્થાપન, ઇનોવેશન અને વ્યાપાર સહિત વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવી રહ્યા છે. દુનિયામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેને જોતા હવે આપણા સહયોગને મજબૂત કરવાનો સમય છે.’ જેટેને પીએમ મોદીને નેધરલેન્ડ આવવા માટે આમંત્રણ આપતા કહ્યું કે ‘હું ટૂંક સમયમાં નેધરલેન્ડમાં તેમનું સ્વાગત કરવા આતુર છું, જેથી અમે આ મુદ્દાઓ પર આગળ વધુ ચર્ચા કરી શકીએ.’
આ પણ વાંચો : રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ?















