![]()
અમદાવાદ,મંગળવાર,31
માર્ચ,2026
અમદાવાદમાં મંગળવારે વહેલી સવારે પાંચ કલાકના સુમારે
નારણપુરામા આવેલ ચામુંડાનગર વસાહતમાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટ થતા લોકો સફાળા જાગી
ગયા હતા. એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થયા પછી મકાનમા ભયાનક આગ લાગી હતી.જેમાં પાંચ
લોકો દાઝી જતા ૧૦૮ની મદદથી સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામા આવ્યા હતા. વિસ્ફોટ
એટલો પ્રચંડ હતો કે, આજુબાજુના
બે મકાનોના બારી બારણાના કાચ પણ તુટી ગયા હતા.સિલિન્ડર બ્લાસ્ટ થવા પાછળનુ કારણ
જાણવા મળ્યુ નથી.
નારણપુરામા આવેલ ચામુંડાનગર વસાહતમાં એલપીજી સિલિન્ડરલીકેજ
હોવાનો કોલ મળતા ફાયર વિભાગ તરફથી ફાયર ફાઈટર સહિત બે વાહન ઘટના સ્થળ ઉપર મોકલી
અપાયા હતા.ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચે એ પહેલા ઘરમા ભરાયેલ ગેસના કારણે સિલિન્ડર
બ્લાસ્ટ થયો હતો.મકાનના સામન ઉપરાંત ગાદલા બળીને ખાખ થઈ ગયા હતા.ધડાકો એટલો જોરદાર
હતો કે મકાનની છત અને દિવાલોના પોપડા ઉખડી ગયા હતા.આસપાસમા રહેતા લોકો પણ તેમના
ઘરની બહાર દોડી આવ્યા હતા.બ્લાસ્ટના સમયે મકાનમા હાજર રાજુભાઈ, હીરાભાઈ ઉપરાંત મણીલાલ,સોહન ભાઈ તથા અન્ય એક વ્યકિત દાઝી જતા ફાયર વિભાગ ઘટના
સ્થળે પહોંચે તે પહેલા તમામને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપવામા
આવ્યા હતા. ફાયર વિભાગે માત્ર આગ હોલવી હતી.પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ શરુ કરી
હતી.















