![]()
Middle East War Impact Aviation : મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધની સીધી અસર વૈશ્વિક વિમાન સેવાઓ પર જોવા મળી રહી છે. આ યુદ્ધે એર ઈન્ડિયાના શિડ્યુલને વેરવિખેર કરી દીધું છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં જ એર ઈન્ડિયાને પશ્ચિમ એશિયાની અંદાજે 2500 જેટલી ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી છે. સ્થિતિ એટલી ગંભીર છે કે, એરલાઇન હાલમાં તેના સામાન્ય શિડ્યુલના માત્ર 30 ટકા ભાગ જ ઓપરેટ કરી શકે છે, જેની પુષ્ટિ ખુદ કંપનીના CEO કેમ્પબેલ વિલ્સને કર્મચારીઓને મોકલેલા સંદેશમાં કરી છે.
આ પણ વાંચો : 80 દેશમાં 750 બેઝ કેમ્પ અને હજારો સૈનિકો, જાણો દુનિયાના ખૂણે-ખૂણે કેમ તહેનાત છે અમેરિકન સૈનિકો
અનેક એરપોર્ટ બંધ, એરસ્પેસ પણ અસુરક્ષિત
યુદ્ધના કારણે પશ્ચિમ એશિયાના અનેક એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને અનેક વિસ્તારોના એરસ્પેસ સુરક્ષિત ન હોવાથી મુસાફરોની સલામતી માટે આ મોટો નિર્ણય લેવાયો છે. જોકે, કેટલીક ફ્લાઈટ્સ રદ કરાઈ નથી, પરંતુ તે ફ્લાઈટે લાંબો રૂટનો ઉપયોગ કરી ચલાવાઈ રહી છે. યુકે, યુરોપ અને ઉત્તર અમેરિકા જતી ફ્લાઈટ્સને હવે પહેલા કરતા વધુ અંતર કાપવું પડે છે, જેના કારણે મુસાફરીના સમયમાં વધારો થયો છે.
વિમાની મુસાફરી અત્યંત મોંઘી બની
આ સંકટની સીધી અસર મુસાફરોની ખિચ્ચા પર પણ પડી રહી છે. જેટ ફ્યુઅલની કિંમતો બમણીથી પણ વધી જતાં એર ઈન્ડિયાએ નવા ટિકિટ દરો પર ‘ફ્યુઅલ સરચાર્જ’ લગાવી દીધો છે. ઈંધણના વધતા વપરાશ અને વધતી કિંમતોને કારણે વિમાની મુસાફરી અત્યંત મોંઘી બની છે. જોકે, કંપનીને એ ચિંતા પણ સતાવી રહી છે કે, જો ભાડામાં વધુ વધારો કરવામાં આવશે તો મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો થઈ શકે છે.
આ પણ વાંચો : હીટવેવ અને હેલ્થ ક્રાઇસિસ, જાણો સતત વધતી ગરમી કેવી રીતે દુનિયાના લોકોને આળસુ બનાવી રહી છે















