![]()
– ગત નાણાંકીય વર્ષમાં મહાપાલિકાને રૂા. 169.60 કરોડની આવક થઈ હતી
– મનપામાં મંગળવારે અંતિમ દિવસે વેરો ભરવા કતાર લાગી, 3129 કરદાતાએ રૂા. 3.18 કરોડનો વેરો ભર્યો
ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા મિલકત વેરો વસુલવાની કામગીરી યથાવત રાખી હતી, જેના ભાગરૂપે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે મહાપાલિકાની મિલકત વેરાની આવક વધી ગઈ છે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો વસુલવા માટે કર્મચારીઓને રીકવરી અને જપ્તીની કામગીરી સોંપી હતી તેમજ રજાના દિવસોમાં પણ વેરો વસુલવા કેશબારી શરૂ રાખવામાં આવી હતી, જેના પગલે છેલ્લા દિવસોમાં મહાપાલિકાને મિલકત વેરાની સારી આવક થઈ છે. આજે મંગળવારે નાણાંકીય વર્ષ ર૦રપ-ર૬ નો અંતિમ દિવસ હતો તેથી મિલકત વેરો ભરવા માટે કરદાતાઓની મહાપાલિકાની કચેરી ખાતે કતાર લાગી હતી. મંગળવારે અંતિમ દિવસે ૩૧ર૯ કરદાતાએ રૂા. ૩.૧૮ કરોડનો વેરો ભર્યો હતો તેથી મહાનગરપાલિકાની ચાલુ નાણાંકીય વર્ષની મિલકત વેરાની કુલ આવક રૂા. ૧૮૪.૬૯ કરોડ થઈ છે. ઘરવેરા આકરણી રજીસ્ટરે નોંધાયેલ કુલ રૂા. ૩.૧૦ લાખ કરદાતાઓ પૈકી કુલ ર.૦૬ લાખથી વધુ કરદાતા દ્વારા વેરો ભરપાઈ કર્યો હોવાનુ જાણવા મળેલ છે. ગત નાણાંકીય વર્ષમાં મહાપાલિકાને રૂા. ૧૬૯.૬૦ કરોડની આવક થઈ હતી તેથી ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે આશરે રૂા. ૧પ કરોડથી વધુની આવક થઈ છે તેમ મહાપાલિકાના ઘરવેરા વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે.
મહાનગરપાલિકાના કર્મચારીઓએ રીકવરી અને જપ્તીની કામગીરી કરતા ગત વર્ષ કરતા વેરાની આવક વધી છે પરંતુ કરદાતાઓની સંખ્યા ગત વર્ષે પણ આટલી જ હતી તેમ જાણવા મળેલ છે.
ઓનલાઈન વેરાની આવક હજુ વધવાની શકયતા
ભાવનગર મહાનગરપાલિકાએ આજે મંગળવારે રાત્રીના ૮ કલાક સુધીની મિલકત વેરાની માહિતી જાહેર કરી છે પરંતુ ઓનલાઈન મિલકત વેરો રાત્રીના ૧ર કલાક સુધી સ્વિકારવામાં આવતો હોય છે તેથી હજુ મિલકત વેરાની ઓનલાઈન આવક હજુ વધશે તેમ જણાય રહ્યુ છે.
3 એપ્રિલથી મનપામાં રીબેટ યોજના શરૂ થશે
ભાવનગર મહાનગરપાલિકામાં નાણાંકીય વર્ષ ર૦ર૬-ર૭ નો મિલકત વેરો ભરનારને એપ્રિલ માસમાં ૧૦ ટકા રીબેટ (વળતર) આપવામાં આવશે અને ઓનલાઈન ભરનારને વધુ ર ટકા એટલે કે ૧ર ટકા રીબેટ આપવામાં આવશે. આગામી તા. ૧ અને તા. ર એપ્રિલે મનપા દ્વારા સોફ્ટવેર મેઇન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી આગામી તા. ૩ એપ્રિલથી રીબેટ યોજના શરૂ થશે તેમ મહાપાલિકાએ જણાવેલ છે.















