![]()
– પરિવાર ભાવનગરથી ઉના દિકરાની માનતા પુરી કરવા જઈ રહ્યો હતો
– બાઈક ચાલકે ભયજનક રીતે ઓવરટેક કરી અકસ્માત સર્જ્યો, મહુવા પોલીસમાં ફરિયાદ
ભાવનગર : ભાવનગરથી ઉના ખાતે દિકરાની માનતા પૂર્ણ કરવા જઈ રહેલા પરિવારની બાઈકને મહુવાના બુટિયાના નાળા પાસે અન્ય બાઈક ચાલકે ભયજનક રીતે ઓવરટેક કરી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે બે બાળકો અને મહિલાના પતિને સામાન્ય ઈજા પહોંચી છે. બનાવ અંગે મહુવા પોલીસ મથકમાં બાઈક ચાલક સામે ગુનો નોંધાયો છે.
શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા ઉદયભાઈ મનુભાઈ સાંખટ ગતરોજ સાંજના ચારેક કલાકના અરસામાં તેમના પત્નિ અને બે બાળકો સાથે ભાવનગરથી ઉના ખાતે આવેલા ખજુરીયા પીરે દિકરાની માનતા પુરી કરવા માટે તેમની જીજે-૦૪-ઈએચ-૧૨૯૩ નંબરની બાઈક લઈને નિકળ્યા હતા અને સાંજના ૬.૩૦ કલાકના અરસામાં મહુવા-તળાજા હાઈ-વે બુટિયાના નાળા નજીક પહોંચતા ભાવનગરથી રાજુલ તરફ જતા રોડ પર પાછળથી જીજે-૦૪-ડીજે-૨૧૬૧ નંબરની બાઈકના ચાલકે તેમની બાઈકને ડાબી બાજુથી ભયજનક રીતે ઓવરટેક કરી અકસ્માત સર્જી નાસી છૂટયો હતો. જેમાં તેમના પત્નિ રૂપાબેનને ગંભીર ઈજા થતાં સારવાર માટે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. તેમજ આ અકસ્માતમાં ઉદયભાઈ અને તેમના બે બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી. આ અંગે ઉદયભાઈ મનુભાઈ સાંખટે મહુવા પોલીસ મથકમાં જીજે-૦૪-ડીજે-૨૧૬૧ નંબરની બાઈકના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.















