![]()
કમોસમી વરસાદ રવી પાકની સિઝનને નડયો : તેજ પવનમાં ઘઉં ઢળી ગયા : ચણા- જીરૂમાં રોગ આવવાની ભીતિ : કેસર કેરીનાં ઓછાં અને મોડાં ઉત્પાદનની સ્થિતિ વધુ વણસી
જૂનાગઢ, : મોસમનાં પૂર્વાનુમાન મુજબ આજે તો કમોસમી વરસાદનું જોર ઘટતાં આંશિક રાહત વ્યાપી છે પરંતુ રવી પાકની કાપણીના સમયે જ ગઈકાલે ઠેર-ઠેર પડી ગયેલા કમોસમી વરસાદને લીધે રવી પાકને નુકસાન થયું છે. ભારે પવન સાથે માવઠું થતા ઘઉં ઢળી ગયા છે તો જીરૂ અને ધાણામાં રોગ આવવાની સંભાવના છે. આ ઉપરાંત, કેસર કેરીના પાકમાં પણ એક તો આ વખતે આવરણ ઓછું અને મોડું છે તેમાં હવામાન પલટો થતાં આંબાવડીયું ધરાવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
સૌરાષ્ટ્રના અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, જામનગર સહિતના અનેક જિલ્લાઓમાં સારૂ એવું કેરીનું ઉત્પાદન થાય છે. પવન સાથે કમોસમી વરસાદ વરસી જતાં જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથમાં આંબે તૈયાર થતા કેરીના પાકને નુકસાન થયું છે. હાલ સૌરાષ્ટ્રમાં રવી પાકની કાપણીની સિઝન ચાલી રહી છે. અનેક વિસ્તારોમાં કાપણી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજુ 40 ટકાથી વધુ વિસ્તારમાં ઘઉં, ચણા, ધાણા, જીરૂ સહિતનો રવી પાક હાલ તૈયાર થઈ ખેતરમાં ઉભો છે. થોડા દિવસોમાં તેની કાપણી શરૂ થનાર હતી પરંતુ ભારે પવન સાથે કમોસમી વરસાદ નડી ગયો છે. આ અંગે કૃષિ નિષ્ણાતે જણાવ્યું હતું કે કમોસમી વરસાદ સાથે પવન હતો તેથી તૈયાર થઈ ગયેલા ઘઉં ઢળી પડયા છે, જેના પર વરસાદ પડતાં પાકી ગયેલા દાણા ઉગવા લાગશે.ચણા અને જીરૂમાં ફૂગ સહિતનો રોગચાળો આવવાની સંભાવના છે.















