![]()
Donald Trump and Indian Market : ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર મોટા કડાકાની આશંકા સેવાઈ રહી છે. Gift Nifty અત્યારે 250 પોઈન્ટના ગેપ-ડાઉન (Gap Down) ઓપનિંગના સંકેત આપી રહ્યો છે. આ નકારાત્મક સિગ્નલ એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધ અંગે દેશને સંબોધન કર્યું છે. ટ્રમ્પના નિવેદનોથી રોકાણકારોમાં અનિશ્ચિતતા વધી છે, જેને પગલે બજારમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.
નિર્ણાયક ફેંસલાને બદલે યુદ્ધ વધુ ગૂંચવાયું
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે સવારે 6:30 વાગ્યે પોતાના નિવેદનમાં અનેક વાતો પર ફોકસ રાખ્યું હતું. જોકે તેમણે કહ્યું કે, “યુદ્ધ બે થી ત્રણ અઠવાડિયામાં સમાપ્ત થઈ જશે,” પરંતુ તેમની મોટાભાગની વાતો યુદ્ધના નિર્ણાયક અંત તરફ નહીં, પણ સંઘર્ષને વધુ ગૂંચવનારી દેખાઈ રહી છે. આ જ કારણ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો (Crude Oil) માં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે, જે ભારતીય અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે.
‘ઈરાનને પરમાણુ શક્તિ નહીં બનવા દઈએ’
ટ્રમ્પે પોતાના સંબોધનમાં કડક વલણ અપનાવતા કહ્યું કે, “ઈરાનના તમામ મોટા નેતાઓ માર્યા ગયા છે. એક મહિનાથી જંગ જારી છે. મેં કહ્યું હતું કે હું ક્યારેય ઈરાનના પરમાણુ પ્રોગ્રામને સફળ થવા દઈશ નહીં અને ઈઝરાયેલ સાથે મળીને અમે આ કામમાં લાગેલા છીએ.” ટ્રમ્પે બેરૂતમાં થયેલા અમેરિકન સૈનિકોના મોતના બદલાની પણ વાત કરી હતી.
ઈરાનની સૈન્ય શક્તિ તબાહ હોવાનો દાવો
ટ્રમ્પે પોતાની સ્પીચમાં દાવો કર્યો છે કે, ઈરાનની નૌસેના ‘પૂરી રીતે ખતમ’ થઈ ચૂકી છે, વાયુસેના તબાહ થઈ ગઈ છે અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની લીડરશિપ પણ ખતમ થઈ ગઈ છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, “અમે ઈરાન સાથે કોઈ ડીલ કરવાના નથી અને તેને કોઈ પણ સંજોગોમાં પરમાણુ શક્તિ બનવા દઈશું નહીં.”















