– ઓઈલ-ગેસ સવલતો પર ઈઝરાયેલ-ઈરાનના હુમલાથી વૈશ્વિક કટોકટીના એંધાણ
– સેન્સેક્સ 2497 પોઈન્ટ, નિફટી 776 પોઈન્ટ તૂટયા : વિશ્વ બજારમાં ઈન્ટ્રા-ડે સોનામાં ઔંસ દીઠ 260 ડોલર, ચાંદીમાં 9 ડોલરનો ઐતિહાસિક ઘટાડો
મુંબઈ : ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકાએ થોપેલા યુદ્વના ભયાવહ પરિણામ આવી રહ્યા છે. વિશ્વને ગંભીર કટોકટીમાં ધકેલી મૂકનારા આ યુદ્વની જવાળા સંપૂર્ણ ખાડી દેશોમાં ફેલાવા લાગતાં યુદ્વની આગમાં આજે વૈશ્વિક શેર બજારો, સોના-ચાંદી બજારો લપેટાઈ ગયા હતા. ભારતીય શેર બજારોમાં આજે યુદ્વની આગમાં જૂન ૨૦૨૪ બાદનો બે વર્ષનો સૌથી મોટો કડાકો બોલાઈ જઈ શેરોમાં રોકાણકારોની સંપતિ એકઝાટકે રૂ.૧૩ લાખ કરોડ જેટલી ખાખ થઈ ગઈ હતી. ઈન્ટ્રા-ડે સેન્સેક્સે ૭૪૦૦૦ની સપાટી અને નિફટીએ ૨૩૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. અંતે સેન્સેક્સ ૨૪૯૬.૮૯ પોઈન્ટ તૂટીને ૭૪૨૦૭.૨૪ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૭૭૫.૬૫ પોઈન્ટ તૂટીને ૨૩૦૦૨.૧૫ બંધ રહ્યા હતા.
યુદ્વને લઈ પહેલા જ વિશ્વ ઈરાનના કબજા હેઠળના હોર્મુસ સ્ટ્રેટ્સ પરથી વહન થતાં ઈંધણના પુરવઠાની અછતનો સામનો કરી રહ્યું છે, ત્યારે હવે ઈઝરાયેલ દ્વારા ગઈકાલે ઈરાનના વિશ્વના સૌથી મોટા ગેસ ઈન્ફ્રાસ્ટ્રકચર સવલત સાઉથ પાર્સ પર હુમલો કરતાં અને વળતાં પ્રહારમાં ઈરાન દ્વારા કતાર સ્થિત ગેસ સવલતો પર એટેક કરતાં અને ઈરાનના કુવૈત અને સાઉદી અરેબિયાની ઓઈલ રિફાઈનરીઓ પર હુમલાને લઈ યુદ્વ ભયાવહ સ્વરૂપ પકડી લેતાં ક્રુડ ઓઈલના ભાવમાં ભડકો થવા સાથે વૈશ્વિક શેર બજારો આજે ધરાશાયી થયા હતા.
યુદ્વના નેગેટીવ પરિબળની સાથે ભારતમાં બેંકિંગ ક્ષેત્રે સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંકના પાર્ટ-ટાઈમ ચેરમેનના આંતરિક વિવાદને લઈ એકાએક રાજીનામાએ શેરોમાં રોકાણકારોનો વિશ્વાસ ડગમગાવી દેતાં બજારમાં પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ હતી. બેંકિંગ શેરોમાં એચડીએફસી બેંક સહિતમાં ફંડોએ મોટું હેમરિંગ કર્યું હતું. ઓટોમોબાઈલ શેરોમાં ફરી પેનીક સેલિંગે ભાવોમાં ૬ ટકા સુધી ગાબડાં પડયા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪.૦૭ ટકા ૨૩૦૬ પોઈન્ટ તૂટયો હતો. જ્યારે બેંકેક્સ ૨૦૬૪ પોઈન્ટ ૩.૩૨ ટકા, કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩.૩૮ ટકા ૧૯૦૩ પોઈન્ટ તૂટયા હતા. તમામ સેક્ટલ ઈન્ડેક્સના શેરોમાં આજે ગાબડાં પડતાં શેરોમાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧૨.૮૭ લાખ કરોડ ધોવાઈ જઈને રૂ.૪૨૬.૧૩ લાખ કરોડના તળીયે આવી ગયું હતું. જે ઈરાન વિરૂધ્ધ ઈઝરાયેલ-અમેરિકાનું યુદ્વ ૨૮, ફેબુ્રઆરી ૨૦૨૬ના શરૂ થયું ત્યારથી લઈ અત્યાર સુધીમાં રૂ.૩૭.૩૭ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું છે.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની શેરોમાં અવિરત જંગી વેચવાલી ચાલુ રહી આજે કેશમાં વધુ રૂ.૭૫૫૮.૧૯ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે મર્યાદિત રૂ.૩૮૬૩.૯૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી.
વૈશ્વિક ઈક્વિટી બજારોની સાથે આજે બુલિયન-સોના-ચાંદી બજારોમાં પણ ઐતિહાસિક કડાકો બોલાઈ ગયો હતો. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ રૂ.૭૦૦૦ જેટલો અને ચાંદીમાં કિલો દીઠ રૂ.૨૦,૦૦૦ જેટલો ધબડકો બોલાઈ ગયો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવોમાં ઔંસ દીઠ ઈન્ટ્રા-ડે ૨૬૦ ડોલરનો વિક્રમી કડાકો અને ચાંદીમાં પણ ૯ ડોલર જેટલો કડાકો બોલાઈ ગયો હતો. સોનું નીચામાં ૪૫૦૨ ડોલર અને ચાંદીના ભાવ ૬૫.૫૨ ડોલરના તળીયે આવી ગયા હતા. જે છેલ્લે મોડી સાંજે વિશ્વ બજારમાં સોનું ૨૦૬ ડોલરના કડાકે ૪૬૧૨ ડોલર અને ચાંદી ૭.૫૦ ડોલરના ઘટાડે ૭૦.૧૦ ડોલર નજીક બોલાતા હતા.મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામ દીઠ જીએસટી વગરના ભાવ જે બુધવારે રૂપિયા ૧,૫૪,૮૭૯ હતા તે ગુરુવારે રૂપિયા ૭૦૦૦ જેટલા તૂટી રૂપિયા ૧,૪૭,૮૮૯ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગર ભાવ રૂપિયા ૧,૪૭,૨૯૭ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ જે બુધવારે રૂપિયા ૨,૪૯,૯૦૭ રહ્યા હતા તે ગુરુવારે રૂપિયા ૨૦,૦૦૦ જેટલા ઘટી રૂપિયા ૨,૨૯,૮૭૩ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
વૈશ્વિક બજારોમાં કડાકો : નિક્કી 1867 પોઈન્ટ, કોસ્પી 162 પોઈન્ટ તૂટયા
ઈરાન વિરૂધ્ધનું અમેરિકા-ઈઝરાયેલનું યુદ્વ સંપૂર્ણ ખાડી દેશોની ઓઈલ-ગેસ અસ્કયામતોને ખાખ કરવાની દિશામાં વળી ભયાવહ બનતાં આજે વૈશ્વિક શેર બજારોમાં ધરખમ ગાબડાં પડયા હતા. અમેરિકી શેર બજારોમાં પણ ખુલતાંમાં ગાબડાં પડવાનું ચાલુ રહ્યું હતું. ડાઉ જોન્સ મોડી સાંજે ૨૮૫ પોઈન્ટનો ઘટાડો અને નાસ્દાક ૧૨૧ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.
એશીયા-પેસેફિક દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્સ૧૮૬૭ પોઈન્ટ, હેંગસેંગ ૫૨૪ પોઈન્ટ, ચાઈનોનો સીએસઆઈ ઈન્ડેક્સ ૭૫ પોઈન્ટ, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૧૬૨ પોઈન્ટ તૂટયા હતા. જ્યારે યુરોપના બજારોમાં પણ લંડન શેર બજારનો ફુત્સી ૨૪૪ પોઈન્ટ, જર્મનીનો ડેક્ષ ૫૮૮ પોઈન્ટ, ફ્રાંસનો કેક ઈન્ડેક્સ ૧૪૪ પોઈન્ટ તૂટયા હતા.
સેન્સેક્સના મોટા કડાકા
|
તારીખ |
ગાબડું |
|
|
– |
પોઇન્ટમાં |
ટકામાં |
|
૪ જૂન ૨૦૨૪ |
૪૩૯૦ |
૫.૭ |
|
૨૩ માર્ચ ૨૦૨૦ |
૩૯૪૩ |
૧૩.૧ |
|
૧૨ માર્ચ ૨૦૨૦ |
૨૯૧૯ |
૮.૨ |
|
૧૬ માર્ચ ૨૦૨૦ |
૨૭૧૩ |
૮.૦ |
|
૨૪ ફેબુ્ર. ૨૦૨૨ |
૨૭૦૨ |
૪.૭ |
|
૧૯ માર્ચ ૨૦૨૬ |
૨૪૯૭ |
૩.૩ |















