![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં અધ્યાપકોની ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી પ્રક્રિયા માટે આખરે યુનિવર્સિટી સત્તાધીશોએ જાહેરનામુ બહાર પાડયું છે.
જે પ્રમાણે ૮૦૦ કરતા વધારે જગ્યાઓ માટે ઉમેદવારો તા.૧૦ એપ્રિલથી યુનિવર્સિટીની વેબસાઈટ પર રિક્રુટમેન્ટ સેક્શનમાં તા.૧૫ મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે.મળતી વિગતો પ્રમાણે કોમન એકટ અને યુજીસીના ભરતીના નિયમોને પણ ઉમેદવારોની નિમણૂક માટે ધ્યાનમાં લેવામાં આવશે.સત્તાધીશોએ ભરતી અંગેની બીજી જાણકારી પણ યુનિવર્સિટીની વેબસાઈટ પર અપલોડ કરી છે.
સૂત્રોનું કહેવું છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની સંભવિત ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યું છે.હવે આચાર સંહિતા લાગુ થાય તો પણ સત્તાધીશો અરજીઓ તો મંગાવી શકશે.એ પછી આચાર સંહિતાને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના ઈન્ટરવ્યૂની તારીખો નક્કી કરાશે.ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯ બાદ યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતી પર બ્રેક વાગી ગઈ હતી અને તેના કારણે હવે યુનિવર્સિટીમાં ૩૦૦ થી ૪૦૦ જ કાયમી અધ્યાપકો રહ્યા છે.નવી ભરતીથી યુનિવર્સિટીને વિવિધ રેન્કિંગમાં ફાયદો થશે.જોકે બિન શૈક્ષણિક કર્મચારીઓની નિમણૂક માટે નોટિફિકેશન બહાર પાડવા અંગે હજી પણ અનિશ્ચિતતા છે.આ નિમણૂક માટે પરીક્ષા લેવાનું પણ સત્તાધીશો વિચારી રહ્યા છે.















