![]()
– નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા
– ખોદકામ બાદ લેવલિંગ ન થતા રસ્તાઓ ઉબડ-ખાબડ બન્યા : તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની લોલંલોલથી રહીશો પરેશાન
લીંબડી : લીંબડી નગરપાલિકા દ્વારા આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી મતદારોને રીઝવવા વિકાસના નામે નવા સીસીરોડ તોડી પાણીની લાઈનો નાખવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ખોદકામ બાદ યોગ્ય લેવલિંગ ન થતા રસ્તાઓ ઉબડ-ખાબડ બન્યા છે, જેનાથી અકસ્માતનો ભય વધ્યો છે.
લીંબડી શહેરમાં ચૂંટણી નજીક આવતા જ નગરપાલિકા અને ભાજપ સરકાર દ્વારા મતદારોને લોભામણી લાલચ આપવા માટે વિકાસના કામોનો દેખાડો શરૂ કરાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં માત્ર ૧૨ માસ પહેલા જ કરોડોના ખર્ચે બનેલા પાકા સીસીરોડ તોડીને ‘નલ સે જલ’ યોજના હેઠળ પાણીની પાઈપલાઈનો નાખવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકાના ચૂંટાયેલા ૨૮ સદસ્યોમાંથી એક પણ સદસ્ય પાંચ વર્ષ દરમિયાન પ્રજાની સમસ્યા સાંભળવા ક્યારેય દેખાયા નથી, અને હવે જ્યારે ચૂંટણી માથે છે ત્યારે લાઈનો નાખવાનું નાટક કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે રોડ પર ખાડા ખોદ્યા બાદ તેનું યોગ્ય પૂરાણ કે લેવલિંગ કરવામાં આવતું નથી. પરિણામે રસ્તાઓ અત્યંત ઉબડ-ખાબડ બની ગયા છે, જેના પર વાહન ચલાવવું તો ઠીક પણ ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને સિનિયર સિટીઝનો અને બાળકો માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે. રહીશોની ઉગ્ર માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે રસ્તાઓનું સમારકામ કરી લેવલિંગ કરાવે જેથી જનતાને હાલાકીમાંથી મુક્તિ મળે.















