![]()
– અનેકની બાદબાકી, મેડિકલ સર્ટિફિકેટનો વિરોધ
– ટ્રાન્સજેન્ડરોની સુરક્ષા માટે આ બિલ લવાયું છે, કોઇના અધિકારો નહીં છીનવાય : કેન્દ્ર
નવી દિલ્હી : વિપક્ષના ભારે વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભામાં ટ્રાન્સજેન્ડર સંરક્ષણ બિલને પસાર કરી દીધુ છે. વિપક્ષના સાંસદોની માગણી છે કે આ બિલને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલવામાં આવે. જ્યારે સરકારે કહ્યું છે કે બિલમાં કઇ જ વાંધાજનક નથી. અંતે તેને લોકસભામાંથી પસાર કરી દેવાતા હવે રાજ્યસભામાં મોકલાશે.
ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) સુધારા બિલ ૨૦૨૬ પર ચર્ચા દરમિયાન જવાબ આપતા સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી વિરેન્દ્ર કુમારે કહ્યું હતું કે આ પ્રસ્તાવિત બિલનો ઉદ્દેશ્ય એવા લોકોને સુરક્ષા પુરી પાડવાનો છે કે જેઓ પોતાની બાયોલોજિકલ ઓળખને કારણે બહિષ્કારનો સામનો કરી રહ્યા છે. ટ્રાન્સજેન્ડર વ્યક્તિને તમામ અધિકારો મળતા રહેશે. જ્યારે ચર્ચામાં ભાગ લેતી વખતે કોંગ્રેસ સાંસદ જ્યોતીમણીએ કહ્યું હતું કે ટ્રાન્સજેન્ડર સમાજ સાથે ચર્ચા કર્યા વગર જ આ બિલ રજુ કરી દેવાયું છે, ઓળખ માટે મેડિકલ બોર્ડ રચવુ અયોગ્ય છે. સપા સાંસદ આનંદ ભદોરિયાએ પણ કહ્યું હતું કે સરકાર દાવો કરે છે કે આ બિલ ટ્રાન્સજેન્ડરોના હિત માટે છે તો પછી ટ્રાન્સજેન્ડરો રસ્તા પર આ બિલનો વિરોધ કેમ કરી રહ્યા છે? ભાજપ ઇચ્છે છે કે તમામ લોકો લાઇનમાં ઉભા રહે, હવે ભાજપે તેમાં ટ્રાન્સજેન્ડર્સને પણ સામેલ કરી દીધા છે.
બિલમાં વ્યંડળ સમાજની વ્યાખ્યા સ્પષ્ટ નથી, વિપક્ષનો દાવો છે કે સરકારે આ બિલમાંથી ગે અને લેસ્બિયનને બહાર કરી દીધા છે. સરકારે આવા અનેક લોકોને ટ્રાન્સજેન્ડરમાંથી બહાર કરીને તેમના અધિકારોથી વંચિત કરી દીધા છે. અન્ય એક જોગવાઇ ટ્રાન્સજેન્ડર માટે ફરજિયાત મેડિકલ તપાસની છે, જેનો વિરોધ થઇ રહ્યો છે. જ્યારે કોઇ ટ્રાન્સજેન્ડર હોય તો સ્વેચ્છાએ તેની જાહેરાત કરવાનો અધિકાર ધરાવે છે તેવી દલીલ વિપક્ષ કરી રહ્યો છે.















