![]()
વડોદરા, તા.6 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયું છે. સ્થાનિક પ્રશ્નો સાથે યોજાતી આ ચૂંટણીમાં ઝંપલાવવા માટે નેતાઓ જેટલો ઉત્સાહ દર્શાવતા હોય છે તેટલો ઉત્સાહ મતદારો દેખાડતા નથી. વડોદરામાં નોંધાયેલા મતદારોની સંખ્યા કરતા પણ અડધા મતદારો મતદાન કરતા નથી.
વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની છેલ્લી ત્રણ ચૂંટણીના આંકડા પર નજર નાંખીએ તો ૫૦ ટકા કરતા પણ ઓછું મતદાન થયું છે. સ્થાનિક પ્રશ્નો હોય અને લોકો મતદાન માટે બહાર ના નીકળે તે યોગ્ય નથી. બહુ જ ઓછા મતદાનથી વિજયી બનેલા સત્તાધારીઓ પછી પોતાની મરજી મુજબ વહીવટ કરે તે સ્વાભાવિક છે. ખરેખર મતદારોએ પોતાના વિસ્તારના નેતાને ચૂંટી કાઢવા માટે ઉત્સાહ દર્શાવવો જોઇએ તેના બદલે મતદાન નહી કરવાનું પસંદ કરવામાં આવે છે.
વડોદરામાં વર્ષ-૨૦૧૦માં નોંધાયેલા મતદારોની સંખ્યાની સામે માંડ ૪૪.૪૧ ટકા મતદાન થયું હતું. ત્યારબાદ વર્ષ-૨૦૧૫માં યાજાયેલી ચૂંટણીમાં પણ ૪૮.૭૧ ટકા નીરસ મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત છેલ્લે કોરોનાકાળ દરમિયાન વર્ષ-૨૦૨૧માં થયેલા મતદાન વખતે પણ ૪૭.૮૪ ટકા મતદાન નોંધાયું હતું. આમ વડોદરામાં છેલ્લી ત્રણ ચૂંટણીઓના મતદાન પર નજર નાંખીએ તો ૫૦ ટકા કરતા પણ વધુ મતદાન થયું નથી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હવે પાંચ વર્ષ બાદ એટલે કે તા.૨૬ એપ્રિલના રોજ યોજાવાની છે. આ ચૂંટણી માટે ઉમેદવારોને પ્રચાર કરવા માટે ખૂબ ઓછો સમય મળવાનો છે જેથી અત્યારથી જ સંભવિત ઉમેદવારો દ્વારા પ્રચાર કરવો હોય તો પણ તેઓ કરી શકતા નથી. ચૂંટણીનો માહોલ મતદાનના છેલ્લા બે સપ્તાહ જ રહેશે તેમ લાગી રહ્યું છે.
ગરમીની ઋતુ, વેકેશન અથવા પરીક્ષાના સમયના કારણે ઓછું મતદાન
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મોટાભાગે ગરમીની ઋતુમાં આવતી હોય છે જેના કારણે ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઓછી હોય છે. કોર્પોરેશનની ચૂંટણીના સમયે સામાન્ય રીતે વેકેશનનો સમય હોય અથવા પરીક્ષાનો સમય હોય છે જેના પગલે લોકો ઘરની બહાર ચૂંટણીના દિવસે નીકળવાનું ટાળતા હોય છે. વેકેશન દરમિયાન ઘણા લોકો બહારગામ હોવાથી પણ મતદાન પર અસર પડતી હોય છે.
વર્ષ-૨૦૨૧માં સૌથી વધુ વોર્ડ નંબર-૧ અને સૌથી ઓછુ વોર્ડ નંબર-૧૧માં મતદાન નોંધાયું હતું
કોરોનાકાળ દરમિયાન યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સૌથી વધુ વોર્ડ નંબર-૧માં ૫૬.૨૭ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર-૧૧માં ૪૨.૩૭ ટકા મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત ૫૦ ટકા વધારે મતદાન નોંધાયું હોય તેવા માત્ર ત્રણ વોર્ડ જ હતાં જેમાં વોર્ડ નંબર ૪માં ૫૧.૩૮ ટકા, વોર્ડ નંબર-૧૬માં ૫૦.૭૮ ટકા અને વોર્ડ નંબર-૧૮માં ૫૨.૩૭ ટકા મતદાન થયું હતું. બાકીના અન્ય વોર્ડોમાં ૫૦ ટકા પર નીચું મતદાન થયું હતું.















