![]()
Vadodara Police : સોશિયલ મીડિયા પરની ડેટિંગ એપ્લિકેશન પર પ્રોફાઇલ મૂકનાર યુવકને હનિટ્રેપમાં ફસાવી દાગીના લૂંટી લેવાના કેસમાં રાજકોટની ગંડવા ગેંગની સંડોવણી બહાર આવી છે. પાણીગેટ પોલીસે આ ગુનામાં સામેલ એક મહિલાને ઝડપી પાડી છે. જ્યારે અન્ય પાંચ આરોપીઓની સંડોવણી બહાર આવી છે.
શહેરની એક ખાનગી કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા 30 વર્ષના યુવકે યુવકે એક વેબસાઇટ પર પોતાની પ્રોફાઇલ ફોટા સાથે અપલોડ કરી હતી. આ પ્રોફાઇલ જોઈને આરોપીઓએ તેને જાળમાં ફસાવવાનું કાવતરું ઘડયું હતું. ડેટિંગ એપ્લિકેશનમાં એક નંબર પરથી યુવકને વીડિયો કોલ કરી વાઘોડિયારોડ ઉમા ચાર રસ્તા પાસે મળવા બોલાવ્યો હતો. યુવકને ફ્લેટમાં લઇ જઇ પોલીસની ઓળખ આપી ધમકાવી સોનાના દાગીના પડાવી લીધા હતા. પાણીગેટ પી.આઇ. એ.બી.પટેલે તપાસ શરૂ કરતા આરોપીઓ મેરિલેન્ડ હોટલમાં રોકાયા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ત્યાં જઇ રજિસ્ટરમાં ચેક કરતા આરોપીઓના આધાર કાર્ડ અને ગાડીનો નંબર મળ્યા હતા. વેબસાઇટ પર તપાસ કરતા આરોપીઓ સામે આવા જ પ્રકારનો ગુનો અગાઉ પણ નોધાયો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ કરી મુમતાઝ યોગેશભાઇ શીંગર (રહે. જડેશ્વર પાર્ક, વેલનાથ સોસાયટી, ખોડિયાર ચોક પાસે, રાજકોટ) મળી આવતા તેની ધરપકડ કરી હતી. જ્યારે તેના પતિ યોગેશ તથા અન્ય આરોપીઓ નિકુંજ નરોતમબાપુ ગોંડલીયા (રહે. ચીચોડ, રાજકોટ), જનક રામસીંગભાઈ સીંગર (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, કોઠારીયા સોલવંટ, રાજકોટ), કેતન મુકેશભાઇ દેગામા (રહે.હુડકો ચોકડી, જડેશ્વર પાર્ક, રાજકોટ) તથા અન્ય એક આરોપીઓની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે.















