![]()
અમદાવાદ, રવિવાર
શહેરના વસ્ત્રાપુર આવેલા ગોયેલ ઇન્ટરસીટીમાં આવેલા એક મકાનમાં બે મહિના પહેલા કામે જોડાયેલા એક ઘરઘાટીએ રૂપિયા અઢી લાખની કિંમતની કોલ્ડ પોઇન્ટ પિસ્તોલ, ૧૦ રાઉન્ડ મેગઝીનની ચોરી કરી હતી. પોલીસે આરોપીને ખેરવાડા પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આરોપીને ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાનો શોખ હોવાથી હથિયારની ચોરી કર્યાનું જાણવા મળ્યું છે. વસ્ત્રાપુર ગોેયેલ ઇન્ટરસીટી એપાર્ટમેન્ટમાં રહેતા અમનદીપસીંગના માતા મંજીતકૌરે સ્વરક્ષણ માટે અઢી લાખની કિંમતની કોલ્ડ પોઇન્ટ ૨૫ પિસ્તોલ લીધી હતી. પરંતુ, તેમનું અવસાન ૨૦૨૩માં થયુ હતું.
અમનદીપસીંગના ઘરે અગાઉ એક મહિલા ઘરઘાટી કામ કરવા માટે આવતી હતી. પરંતુ, તે રજા પર હોવાથી છેલ્લાં બે મહિનાથી ૨૨ વર્ષનો મહિપાલસીંગ સિસોદીયા ઘરઘાટી તરીકે કામ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. હોળીની રજામાં તે રાજસ્થાનમાં તેના વતનમાં ગયો ગતો.તેમની માતાએ લીધેલી પિસ્તોલ ડીલર પાસે જમા કરાવવાની હોવાથી તે શનિવારે કબાટમાં પિસ્તોલ મુકેલી પિસ્તાલ લેવા માટે ગયા ત્યારે તે મળી આવી નહોતી. જેથી ઘરઘાટીને ફોન કરતા તેણે ફોન ઉપાડયો નહોતો. જેથી આ અંગે વસ્ત્રાપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસે તાત્કાલિક રાજસ્થાન ઉદેપુર ખેરવાડા પાસે આવેલા ગોહાવાડા ખાતે તપાસ કરીને પિસ્તોલ સાથે મહિપાલસીંગને ઝડપી લીધો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તેને ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાની તેમજ ફોટો પડાવવાનો શોખ હોવાથી તેણે હથિયારની ચોરી કરી હતી અને તેની સાથે ફોટો પાડીને સોશિયલ મિડીયામાં પોસ્ટ કરવાનો હતો.















