![]()
Gold and Silver News : આર્થિક જગતમાં આજે હાહાકાર મચી ગયો છે કારણ કે માત્ર 50 દિવસમાં સોના અને ચાંદીની કિંમતોમાં અકલ્પનીય ઘટાડો નોંધાયો છે. 29 જાન્યુઆરી 2026ના રોજ જે ચાંદી 4.25 લાખ રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે હતી, તે આજે ઘટીને 2 લાખ રૂપિયાની નીચે પહોંચી ગઈ છે. એટલે કે માત્ર બે મહિનામાં ચાંદીમાં પ્રતિ કિલો 2.25 લાખ રૂપિયાનો જંગી ઘટાડો થયો છે.
ચાંદીમાં મસમોટો કડાકો
સોમવારે ટ્રેડિંગ દરમિયાન ચાંદીમાં 26,000 રૂપિયાનો કડાકો બોલાતા તેની કિંમત 1,99,643 રૂપિયા પર આવી ગઈ છે. બીજી તરફ, સોનામાં પણ 10 ટકાની લોઅર સર્કિટ લાગતા ભાવ 14,000 રૂપિયા તૂટીને 1.30 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે સરકી ગયા છે.
કડાકાનું શું છે કારણ?
ઈરાન અને અમેરિકા વચ્ચે વકરતા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે મોંઘવારી વધવાનો ડર અને આર્થિક કટોકટી ઘેરી બનતા રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. બજારના નિષ્ણાતોના મતે, અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અંગેના નિર્ણયો અને શેરબજારમાં ચાલી રહેલી ભારે વેચવાલીએ બળતામાં ઘી હોમ્યું છે.
સેન્સેક્સમાં પણ ગાબડું
આજે સેન્સેક્સમાં પણ 1800 પોઈન્ટનો ગાબડું પડ્યું છે. જે રોકાણકારોએ ઉંચા ભાવે સોનું-ચાંદી ખરીદ્યું હતું, તેઓ અત્યારે લાખોના નુકસાનમાં છે અને બજારમાં હાલ કોઈ મોટો ખરીદદાર જોવા મળી રહ્યો નથી.















