![]()
ભાવમાં તીવ્ર વધઘટ છતાં આગામી સમયમાં સોના-ચાંદીના ભાવ નવી સપાટી દર્શાવશે
અમદાવાદ : વિશ્વભરની મધ્યસ્થ બેંકો દ્વારા જાન્યુઆરીમાં સોનાની ખરીદીમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ૧૨ મહિનામાં દર મહિને સરેરાશ ૨૭ ટન સોનું ખરીદવામાં આવ્યું હતું, ત્યારે જાન્યુઆરીમાં આ આંકડો ઘટીને માત્ર ૫ ટન રહ્યો હતો. નિષ્ણાતો કહે છે કે સોનાના ભાવમાં તીવ્ર વધઘટ અને કેટલાક મોસમી પરિબળોને કારણે મધ્યસ્થ બેંકોએ તેમની ખરીદીમાં સાવધાની રાખી છે. દરમિયાન પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે સલામત રોકાણોની માંગ વધતા આગામી સમયમાં સોનાના ભાવ ૫,૬૦૦ ડોલરની સપાટી કુદાવી શકે તેની નિષ્ણાતોએ આગાહી કરી છે.
ગત જાન્યુઆરી માસ દરમિયાન ઉઝબેકિસ્તાન સોનાના સૌથી મોટા ખરીદદાર તરીકે ઉભરી આવ્યું હતું. ત્યાંની મધ્યસ્થ બેંકે ૯ ટન સોનું ખરીદ્યું હતું, જેનાથી તેનો કુલ સોનાનો ભંડાર ૩૯૯ ટન થયો હતો. ઉઝબેકિસ્તાનના કુલ વિદેશી વિનિમય ભંડારમાં સોનું હવે ૮૬% હિસ્સો ધરાવે છે. મલેશિયાની મધ્યસ્થ બેંકે પણ ૩ ટન સોનું ખરીદ્યું હતું. આનાથી દેશનો કુલ સોનાનો ભંડાર ૪૨ ટન થયો છે, જે તેના કુલ ભંડારના આશરે ૫% છે.
ચીનની સેન્ટ્રલ બેંકે જાન્યુઆરીમાં ૧ ટન સોનું ખરીદ્યું હતું. જે ચીનની સતત ૧૫મા મહિનાના સોનાની ખરીદી છે. સોનું હવે ચીનના કુલ વિદેશી હૂંડિયામણ ભંડારમાં લગભગ ૧૦% હિસ્સો ધરાવે છે. બીજી બાજુ, રશિયા આ સમયગાળા દરમિયાન સૌથી વધુ સોનું વેચનાર દેશ હતો. રશિયન સેન્ટ્રલ બેંકે તેના ભંડારમાંથી ૯ ટન સોનું વેચ્યું હતું. જ્યારે, બલ્ગેરિયાએ યુરો અપનાવ્યા પછી યુરોપિયન સેન્ટ્રલ બેંકને ૨ ટન સોનું ટ્રાન્સફર કર્યું હતું.
પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષે વૈશ્વિક બજારોમાં હલચલ મચાવી છે. જેમ જેમ તણાવ વધતો જાય છે તેમ તેમ રોકાણકારો જોખમી રોકાણોથી દૂર થઈને સલામત વિકલ્પો તરફ વળી રહ્યા છે. પરિણામે, વૈશ્વિક સોનાના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે.
નિષ્ણાંતોના મતે, સોના- ચાંદીના ભાવ હાલમાં બજારમાં ટગ-ઓફ-વોરનો અનુભવ કરી રહ્યા છે. એક તરફ, ભૂ-રાજકીય તણાવ ઝડપથી સલામત રોકાણોની માંગમાં વધારો કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ, મજબૂત ડોલર અને વધતા બોન્ડ યીલ્ડ જેવા આર્થિક પરિબળો સોનાના લાભને ઘટાડી રહ્યા છે. ઇતિહાસ દર્શાવે છે કે જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતા વધે છે, ત્યારે વ્યાજ દર વધે તો પણ સોનું ઘણીવાર મજબૂત રહે છે.















