![]()
LPG Gas Supply In Gujarat: ઈઝરાયલ, અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધની સીધી અસર હવે ગુજરાતના ઊર્જા ક્ષેત્ર પર જોવા મળી રહી છે. આ વૈશ્વિક સંકટ વચ્ચે રાજ્યમાં ગેસનો પુરવઠો જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે ‘સરકારની પ્રથમ પ્રાથમિકતા રાજ્યના સામાન્ય નાગરિકોના ઘરનો ચૂલો સળગતો રાખવાની છે.’
‘ઈન્ડસ્ટ્રીયલ ગેસમાં 50 ટકા કાપ મૂકવામાં આવ્યો’
ગેસના પુરવઠા અંગે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘ગેસનો પુરવઠો ખોરવાય નહીં તેના માટે સરકાર આયોજન કરી રહી છે. રાજ્ય સરકારની પ્રયોરીટી ઘરોમાં ગેસની બોટલ પહોંચે તેમ છે. ઈન્ડસ્ટ્રીયલ ગેસમાં 50 ટકા કાપ મૂકવામાં આવ્યો છે. ફર્ટિલાઈઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં 40 ટકાનો કાપ મૂક્યો છે. ગુજરાતમાં એકપણ ચૂલો બંધ ન થાય તેની ચિંતા સરકાર કરી રહી છે. કોમર્શિયલ સિલિન્ડરમાં હજુ સુધી કોઈપણ પ્રકારનો કાપ નથી મુક્યો. સરકાર ગેસ પુરવઠો ખોરવાય નહીં તેનું આયોજન કરી રહી છે.’
આ પણ વાંચો: 25 દિવસ પછી જ બીજું ગેસ સિલિન્ડર બુક થશે: મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારતમાં નિયમો બદલાયા
LPG સિલિન્ડર બુકિંગનો સમયગાળો લંબાવ્યો
ઉલ્લેખનીય છેકે, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG) માટે બુકિંગનો સમયગાળો લંબાવ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. કાળાબજાર અને સંગ્રહખોરીને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ઘરેલુ ગેસ, ડીઝલ કે પેટ્રોલની કોઈ અછત નથી.
સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સ્થાનિક ગ્રાહકો માટે ગેસના ભાવમાં વધારો થવાની શક્યતા નહિવત્ છે. દેશમાં ગેસનો પુરવઠો જાળવી રાખવા માટે અને સપ્લાય ચેઈનમાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી ઔદ્યોગિક વપરાશ માટેના LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) ના જથ્થાને હવે ઘરેલું વપરાશ માટે ડાયવર્ટ કરવામાં આવશે. આ સાથે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઘરેલું ગ્રાહકો માટે ગેસના દરોમાં કોઈ ફેરફાર કે રેશનલાઈઝેશન (કપાત) કરવામાં આવશે નહીં, જેથી સામાન્ય જનતાને ભાવવધારામાંથી મોટી રાહત મળી શકે તેમ છે.















