![]()
અમદાવાદ : અમેરિકા- ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ પ્રબળ બૂન્યા હિતના અન્ય ભૂ-રાજકીય પ્રતિકૂળ અહેવાલો પાછળ આજે વૈશ્વિક બજારમાં કિંમતી એવી સોના-ચાંદી સહિત અન્ય ધાતુઓમાં તેજીનો માહોલ ઉદભવ્યા સામે ઘરઆંગણાના સોના-ચાંદી બજારમાં સાવચેતીનું વલણ અપનાવાતા એકંદરે સુસ્તતા સાથે નરમ વલણ રહ્યું હતું. જો કે, અમદાવાદ ચાંદીમાં આજે રૂા. ૫૦૦૦નો ઉછાળો નોંધાયો હતો.
વિવિધ પ્રતિકૂળ અહેવાલો વચ્ચે વૈશ્વિક બજારમાં સેફ હેવનરૂપી ખરીદી વધતા વૈશ્વિક સોનું વધીને ૫૪૦૦ ડોલરની સપાટી કૂદાવી ૫૪૧૯ ડોલર થઈ મોડી સાંજે ૫૩૮૧ ડોલર મુકાતુ હતું. જ્યારે ચાંદી વધીને ૯૯.૬૮ ડોલર થઈ મોડી સાંજે ૯૪.૫૦ ડોલર મુકાતી હતી. બીજી તરફ પ્લેટીનમ વધીને ૨૪૩૮ ડોલર થઈ ૨૩૪૭ ડોલર અને પેલેડીયમ ૧૮૪૫ ડોલર થઈ મોડી સાંજે ૧૭૯૦ ડોલર બોલાતું હતું.
આ અહેવાલો પાછળ અમદાવાદ સોના- ચાંદી બજારમાં આજે ચાંદી રૂ. ૫૦૦૦ વધીને રૂા. ૨,૯૦,૦૦૦ રહી હતી જ્યારે સોનું (૯૯.૯) રૂા. ૧,૭૪,૦૦૦ અને સોનું (૯૯.૫) પણ ઘટીને રૂા. ૧૭૩૭૦૦ની સપાટીએ રહ્યું હતું.
મુંબઈ બુલિયન બજારમાં આજે ચાંદી શનિવારના ધારણાના ભાવથી રૂા. ૫૦૦૦ જેટલા ઘટી ૨૮૯૮૪૮ મુકાતી હતી જ્યારે સોનું (૯૯.૫) ઘટીને રૂા. ૧૬૬૮૦૦ અને સોનું (૯૯.૯) રૂા. ૧૬૭૪૭૧ મુકાતા હતા.
વૈશ્વિક બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૭૨.૮૭ ડોલરથી ઉછળી ૮૨.૩૭ ડોલર થઈ મોડી સાંજે ૭૭.૭૪ ડોલર મુકાતા હતા જ્યારે યુ.એસ. ક્રુડ ૬૭ ડોલરથી વધીને ૭૫.૩૩ ડોલર થઈ મોડી સાંજે ૭૧.૩૩ ડોલર મુકાતા હતા.















