![]()
નસવાડી તા.૨૨ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢ બોરીયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવીએ પ્રજાની પડતી મુશ્કેલીઓને વાચા આપવાના બદલે સત્તાના નશામાં સગર્ભાઓને ઝોળીઓમાં લઇ જવા મુદ્દે તમે ટેકરા પર રહો છો અમારો શું વાંક તેવો જાહેરમાં બફાટ કરતાં ભારે હોબાળો મચ્યો છે.
નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઇમારતનો લોકાર્પણ કાર્યક્રમ આજે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંખેડા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવી પણ હાજર રહ્યા હતાં. તાલુકામાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના બદલે પોતાની નિષ્ફળતા છુપાવવા ધારાસભ્યએ પ્રજાને જ નિશાન બનાવતા સ્થાનિક આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
નસવાડી તાલુકાના અનેક અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાના અભાવે એમ્બ્યૂલન્સ પહોંચી શકતી નથી જેના કારણે સગર્ર્ભાઓ અથવા અન્ય દર્દીઓને ઝોળીમાં નાંખીને એમ્બ્યૂલન્સ અથવા હોસ્પિટલ સુધી લાવવા પડે છે. આ ગંભીર સમસ્યા અંગે સ્પષ્ટતા કરવાના બદલે ધારાસભ્યએ સ્ટેજ પરથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ડુંગરોમાં રહેતા આદિવાસી લોકો ટેકરાઓ ઉપર રહે છે, તેના કારણે એમ્બ્યૂલન્સ પહોંચી શકતી નથી, તેમાં અમારો કોઇ વાંક નથી.
ધારાસભ્યના આ જાહેર નિવેદને લોકોની મુશ્કેલીની મજાક ઉડાવી હોય તેવો ઘાટ ઘડાયો છે. મહિલાઓ સહિતના દર્દીઓને ઝોળીમાં લઇ જવાય તે ધારાસભ્ય વિકાસ સમજી રહ્યા છે. ધારાસભ્ય આ મુદ્દે સંવેદનહીન બનતા આદિવાસીઓમાં ભારે ચર્ચાનો વિષય પણ બન્યો છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્તરે ૧૦૮ના હુલામણા નામથી ઓળખાતા ધારાસભ્ય હવે પ્રજાની રજૂઆતો સાંભળવામાં રસ નથી ધરાવતા તેમ આ કાર્યક્રમમાં જોવા મળ્યુ હતું. લોકાર્પણના કાર્યક્રમમાં લોકો જ્યારે સુવિદ્યાની અપેક્ષા રાખતા હતા ત્યારે ધારાસભ્યના લાજવાના બદલે ગાજવાના વલણે લોકોમાં અનેક સવાલો ઊભા કર્યા છે. ખરેખર પીડિત મહિલાઓની મુલાકાત લેવા અથવા સાંત્વના આપવાના બદલે ધારાસભ્ય કાર્યક્રમમાં પોતાની વાહવાહી લૂંટવામાં અને પ્રજાને દોષી ઠેરવવામાં વ્યસ્ત જણાયા હતાં.















