![]()
વડોદરા : વીમાના રૃા.૪૦ લાખ હડપવા માટે પ્રેમી સાથે મળી સગી બહેનની હત્યા
કરવાના બનાવમાં સંડોવાયેલી મહિલાએ જામીન અરજી મૂકતા અદાલતે અરજદાર મહિલાની જામીન અરજી નામંજૂર કરી
હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે,આરોપી સામે પ્રથમ દૃષ્ટિએ ગંભીર ગુનામાં સંડોવણી
હોવાના મજબૂત પુરાવા છે. સગી બહેનની ઘાતકી હત્યાના બનાવમાં આથક લાલચનો હેતુ સ્પષ્ટ
જણાય છે, જે સમાજ માટે પણ જોખમી છે.
બનાવની વિગત એવી છે કે, તા. ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ દિનેશભાઈ પરમાર
નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે,
ખાનપુર ગામની સીમમાં એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક
યુવતીના ગળામાં દુપટ્ટો વીંટાળેલો હતો અને આંખ-નાકમાંથી લોહી નીકળતું હતું. પી.એમ.
રિપોર્ટમાં પુષ્ટિ થઈ હતી કે યુવતીનું મોત ગળુ દબાવવાના કારણે થયું છે. પોલીસે
હત્યાના ગુનો દાખલ કરી તપાસ શરૃ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, મૃતક અઝીઝાબાનુની હત્યા અન્ય કોઈએ નહીં પણ તેની સગી બહેન ફિરોઝાબાનુએ તેના
પ્રેમી રમીઝ રાજા શેખ સાથે મળીને કરાવી હતી.
તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી ફિરોઝાબાનુ પર દેવુ હોવાથી
તેણે બહેનના નામે ૪૦ લાખની વીમા પોલિસી લીધી હતી. આ પોલિસીમાં ફિરોઝાબાનુ પોતે
નોમિની બની હતી. વીમાની રકમ હડપવા માટે તેણે પ્રેમી સાથે મળીને બહેનની હત્યાનું
કાવતરું ઘડયું હતું અને બનાવને અંજામ આપ્યો હતો. આ કેસમાં પોલીસે ફિરોઝાબાનુ ઉર્ફે અનીશા દિવાનની ધરપકડ કરી હતી
અને હાલ જેલમાં રહેલી ફિરોજાબાનુએ જામીન અરજી મૂકી હતી.
જામીન અરજીની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીઓ
વીમા કંપનીમાં તપાસ કરવા પણ ગયા હતા કે મૃત્યુ પછી નાણાં ક્યારે મળશે. વધુમાં,
ફિરોઝાબાનુએ તેના પ્રેમીને મોકલેલા ઓડિયો મેસેજ પણ મળી આવ્યા હતા,
જેમાં તે બહેનના મોતના સમાચાર કન્ફર્મ કરતી સંભળતા હતી. ન્યાયાધીશે
બન્ને પક્ષની દલીલ તેમજ પુરાવાને ધ્યાન લઇ મહિલા અરજદારની અરજી નામંજૂર કરી હતી.















