મુંબઈ : ભારતીય શેરબજારમાં સતત વેચવાલીને પરિણામે વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટી છેલ્લા ચાર વર્ષમાં પહેલી જ વખત ત્રણ ટકાની અંદર ઊતરી ગયો છે. અમેરિકાનો હિસ્સો જે વર્ષના પ્રારંભમાં ૪૮ ટકા હતો તેના પરથી ઘટી ૪૬ ટકા રહ્યો છે. ફ્રાન્સ તથા જર્મનીનો હિસ્સો પણ સાધારણ ઘટયો છે.
અમેરિકા તથા ઈરાન યુદ્ધ સમાપ્ત થવાના કોઈ ચિહ્નો જણાતા નથી ત્યારે ઈક્વિટીસમાં સતત માનસ ખરડાયેલું છે.
જુલાઈ, ૨૦૨૪માં વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ૪.૫૭ ટકા જેટલો ઊંચો રહ્યા બાદ તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને ૩૦ માર્ચના અંતે તે ઘટી ૨.૯૮ ટકા પર આવી ગયો છે જે ફેબુ્રઆરી, ૨૦૨૨ પછી સૌથી નીચા સ્તરે છે.
ડિસેમ્બર, ૨૦૨૪ના અંતે આ હિસ્સો ઘટી ૪.૨૦ ટકા અને ડિસેમ્બર, ૨૦૨૫ના અંતે ૩.૫૦ ટકા પર આવી ગયો હતો. બીએસઈમાં લિસ્ટેડ શેરોની સંયુકત માર્કેટ કેપ જે ડિસેમ્બર, ૨૦૨૫ના અંતે ૫.૩૦ ટ્રિલિયન ડોલર હતી તે ૩૦મી માર્ચના અંતે ૧૫ ટકા જેટલી ઘટી ૪.૩૬ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ છે.
સપ્ટેમ્બર, ૨૦૨૪ના અંતે ૫.૬૬ ટ્રિલિયન ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીએથી હાલની માર્કેટ કેપ ૨૩ ટકા જેટલી ઘટી ગઈ છે, એમ એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.
ક્રુડ તેલના વધી રહેલા ભાવને કારણે ભારતની બૃહદ્ આર્થિક સ્થિતિ કથળી શકે છે તેવી ધારણાંએ વિદેશી રોકાણકારોએ વર્તમાન મહિનામાં ૧૨ અબજ ડોલરથી વધુના શેરોનું વેચાણ કર્યું છે.
૨૦૨૪ના મધ્યથી ભારતીય શેરબજાર વિવિધ પડકારોનો સામનો કરી રહ્યું છે જેમાં ખાસ કરીને ઊંચા મૂલ્યાંકનો, નબળા અર્નિંગ્સ, રશિયા-યુક્રેન યુદ્ધ, અમેરિકાના ટેરિફનો સમાવેશ થાય છે.
ડોલર સામે રૂપિયાના ઘસારાને કારણે પણ વિદેશી રોકાણકારોનું માનસ ખરડાયું છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે ભારત ઉપરાંત વિશ્વના મોટાભાગના દેશોની ઈક્વિટીસના મૂલ્યોને મોટો ઘસારો પહોંચ્યો છે.
બીએસઈ પર લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ ૨ માર્ચના સત્રમાં ડોલરના સ્વરૂપમાં તૂટીને પાંચ ટ્રિલિયન ડોલરની અંદર સરકીને ૪.૯૯ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી. માર્કટ કેપની દ્રષ્ટિએ ભારતનો ક્રમ ટોચના દસ દેશોમાં છે.















