![]()
મુંબઈ : વર્તમાન નાણાં વર્ષમાં કઠોળની આયાત ૩૦ ટકા જેટલી ઘટી પચાસ લાખ ટન રહેવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. ગયા નાણાં વર્ષમાં કઠોળનો આયાત આંક ૭૩ લાખ ટન રહ્યો હતો.
રૂપિયામાં નબળાઈ, પીળા વટાણા પર ઊંચી ડયૂટી તથા ઊંચા કેરિ ફોરવર્ડ સ્ટોકને કારણે વર્તમાન નાણાં વર્ષમાં આયાત નીચી રહેવાની ધારણાં આવી પડી હોવાનું ઈન્ડિયા પલ્સિસ એન્ડ ગ્રેઈન્સ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું.
વાણિજ્ય મંત્રાલય દ્વારા પણ તાજેતરમાં આવો જ અંદાજ આવી પડયો હતો. વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં મૂલ્યની દ્રષ્ટિએ આયાત ૩૩.૩૩ ટકા ઘટી ૨.૫૨ અબજ ડોલર રહી હતી. ગયા નાણાં વર્ષના સમાન ગાળામાં આ આંક ૩.૭૮ અબજ ડોલર રહ્યો હતો.
ડિસેમ્બર સુધીમાં કઠોળની આયાત ૪૦ લાખ ટન રહી છે અને તેમાં વધુ ૧૦ લાખ ટન જેટલો ઉમેરો જોવા મળી શકે છે. રૂપિયામાં નબળાઈને કારણે આયાત મોંઘી પડી રહી છે. છેલ્લા ચાર મહિનામાં રૂપિયામાં ૮ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
પીળા વટાણા પર ૩૦ ટકા ડયૂટી લાગુ કરતા તેની આયાત નોંધપાત્ર નીચી રહી છે.
વર્તમાન વર્ષમાં દેશમાં કઠોળનો પાક પણ સારો થયો છે એટલું જ નહીં સ્ટોકસની સારી સ્થિતિને કારણે ભાવમાં ખાસ વધારો થયો નહીં હોવાનો પણ સુત્રોએ દાવો કર્યો હતો.
૨૦૨૫ના કેલેન્ડર વર્ષની વાત કરીએ તો જાન્યુઆરીથી નવેમ્બરના ગાળામાં કઠોળની એકંદર આયાત વાર્ષિક ધોરણે ૮ ટકા ઘટી ૫૬.૬૫ લાખ ટન રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયના ડેટામાં જણાવાયું હતું.
ખરીફ મોસમના પ્રથમ ઉત્પાદન અંદાજ પ્રમાણે કઠોળનું ઉત્પાદન ૭૪.૧૩ લાખ ટન મુકાઈ રહ્યું છે, જે ગઈ મોસમમાં ૭૭.૩૩ લાખ ટન જોવા મળ્યું હતું.















