![]()
વડોદરાઃ વડોદરા નજીક કુંઢેલા ખાતે આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં સત્તાધીશોની પરવાનગી વગર યોજાયેલી ઈફતાર પાર્ટીના કારણે વિવાદ સર્જાયો છે.મળતી વિગતો પ્રમાણે તા.૧૬ માર્ચની સાંજે હોસ્ટેલની મેસમાં આ ઈફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યુનિવર્સિટીના ૧૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા.
એવુ કહેવાઈ રહ્યું છે કે, યુનિવર્સિટીમાં એબીવીપી તો સક્રિય છે જ પણ તાજેતરમાં જ સક્રિય થયેલા એનએસયુઆઈ સંગઠન સાથે સંકળાયેલા કેટલાક વિદ્યાર્થીઓએ આ પાર્ટીનું આયોજન કર્યું હતું અને તેમાં વિદ્યાર્થીઓને આમંત્રિત કર્યા હતા.ઈફતાર પાર્ટીનો વિડિયો સોશ્યલ મીડિયા પર પણ ધાર્મિક ગીતો સાથે મૂકવામાં આવ્યો છે.આ વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
સામાન્ય રીતે ગુજરાતમાં અને તેમાં પણ સરકારી યુનિવર્સિટીઓમાં ઈફતાર પાર્ટીનું આયોજન કરવાની પ્રથા નથી ત્યારે પહેલી વખત સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો છે.યુનિવર્સિટીના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, અમે કોઈ પણ પ્રકારના ધાર્મિક આયોજનને મંજૂરી આપતા નથી અને આ પાર્ટી માટે પણ પરવાનગી અપાઈ નહોતી.આમ છતા તેનું આયોજન કરાયું હતું.આ પહેલા વિદ્યાર્થીઓએ સરસ્વતી પૂજા પણ કરી હતી.તે વખતે પણ પરવાનગી અપાઈ નહોતી.















