![]()
મુંબઈ : મુંબઇ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોનાના ભાવ આંચકા પચાવી વિશ્વ બજાર પાછળ ફરી વધી આવ્યા હતા જ્યારે ચાંદીના ભાવમાં પીછેહટ ચાલુ રહી હતી.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૯૬૬થી વધી ૫૦૦૦ ડોલર કુદાવી છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૫૦૪૨થી ૫૦૪૩ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડો ફરી ખરીદતા જોવા મળ્યા હતા.
વિશ્વ બજાર પાછળ ઘર આંગણે પણ ભાવ ઉંચા બોલાતા થયા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂા. ૨૦૦૦ વધી ૯૯૫ના રૂા. ૧૬૦૨૦૦ તથા ૯૯૯ના રૂા. ૧૬૦૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂા. ૨૫૦૦૦૦ રહ્યા હતા. દરમિયાન વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્સ ૯૭.૦૨થી વધી ૯૭.૧૬ થયા પછી ઘટી નીચામાં ૯૬.૮૦ થઇ છેલ્લે ૯૬.૮૮ રહ્યાના નિર્દેશો હતા.
અમેરિકામાં રિટેલ ફુગાવો અપેક્ષાથી ઓછો આવ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૭.૬૯થી ૭૭.૭૦ વાળા ઘટી છેલ્લે ભાવ ૭૭.૪૧થી ૭૭.૪૨ ડોલર બોલાઇ રહ્યા હતા.
દરમિયાન, મુંબઇ બુલીયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ૯૯૫ના રૂા. ૧૫૨૧૫૩ વાળા વધી રૂા. ૧૫૪૮૦૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂા. ૧૫૨૭૬૫ વાળા રૂા. ૧૫૫૩૫૦ રહ્યા હતા. મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૨૪૨૪૩૩ વાળા રૂા. ૨૪૨૦૦૦ રહ્યા હતા. મુંબઇ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૦૩૦થી વધી ૨૦૬૭ ડોલર રહ્યા હતાં. પેલેડીયમના ભાવ ઔંશના ૧૬૫૩ વાળા નીચામાં ૧૫૫૪ તથા ઉંચામાં ૧૭૦૯ થઇ છેલ્લે ભાવ ૧૬૯૨થી ૧૬૯૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૦.૨૯ ટકા પ્લસમાં રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ ફરી ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૭.૦૮થી વધી ૬૮.૦૫ થઇ ૬૭.૭૫ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રુડના ભાવ ૬૨.૩૯ વાળા ૬૩.૨૬ થઇ ૬૨.૮૯ ડોલર રહ્યા હતા. દરમિયાન, અમેરિકા તથા વેનેઝુએલાથી ભારતમાં આયાત થનારું ક્રૂડ ઓઇલ રશિયાની સરખામણીએ મોંઘુ પડવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. ભારતના રિફાઇનર્સ માટે રશિયાના ક્રૂડનું પ્રોસેસિંગ સરળ રહી છે એવું સૂત્રો જણાવી રહ્યા હતા.
















