![]()
વડોદરા : સમૃદ્ધ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા
રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી ૬.૧૬ કરોડની છેતરપિંડી આચરવાના બનાવમાં
સંડોવાયેલા આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી હતી.ન્યાયાધીશે નોંધ્યું હતું
કે, માત્ર ચાર્જશીટ રજૂ થવી એ જામીન માટે સંજોગોમાં ફેરફાર ગણી શકાય નહીં.
કેસની વિગત એવી છે કે, રોકાણકારો સાથે કરોડની છેતરપિંડી કરવામાં આવતા
આ બનાવ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જીપીઆઇડી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો
હતો અને બનાવમાં પોલીસે નાસિકના આરોપી સુનિલ ઝેન્ડુ માલીની ધરપકડ કરી હતી. આ આરોપી
હાલ જેલમાં હોઇ તેણે અદાલતમાં જામીન અરજી મૂકી હતી અને તેમાં રજૂઆત કરી હતી કે,
કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઈ ગઈ હોવાથી તેની કસ્ટડીની જરૃર નથી.
જ્યારે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, ે
આરોપી પ્રથમથી જ ગુનામાં સક્રિય છે અને અને તેણે અન્ય સહ-આરોપીઓ સાથે મળીને
નિર્દોષ રોકાણકારોના કરોડો રૃપિયા હડપ કરી લીધા છે. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા
બાદ આરોપી સુનીલની જામીન અરજી નામંજૂર કરતા ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે પ્રથમ દ્રષ્ટીએ ગંભીર
પુરાવાઓ હોવાનું અને તેની ભૂમિકા સક્રિય હોવાનું જણાઇ રહ્યું છે ત્યારે ગુનાની ગંભીરતા જોતા તેને જામીન આપી શકાય નહીં.















