8th Pay Commission: 8મા પગારપંચ અંગે સરકારે સંસદમાં નવી માહિતી શેર કરી છે. જેમાં સરકારે સ્પષ્ટતા કરી છે કે, 8મા કેન્દ્રીય પગારપંચની ઔપચારિક રચના થઈ ગઈ છે અને નિર્ધારિત સમયમર્યાદામાં તેની ભલામણો રજૂ કરશે. મંગળવારે(10 ફેબ્રુઆરી) રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, પગારપંચની રચના માટેનું જાહેરનામું 3 નવેમ્બર, 2025ના રોજ જારી કરવામાં આવ્યું હતું. સાંસદો સરકાર પાસેથી જાણવા માંગતા હતા કે, કમિશન કયા મુદ્દાઓની સમીક્ષા કરશે અને તેની ભલામણોને લાગુ કરવા માટે સંભવિત સમયમર્યાદા શું હશે.
8મા પગારપંચ અંગે સરકારે સંસદમાં નવી માહિતી શેર કરી
સરકાર મુજબ, 8મા પગારપંચમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના પગાર ધોરણ, ભથ્થુ, પેન્શન માળખું અને સેવા શરતોની સમીક્ષા કરાશે. નાણાં રાજ્યમંત્રી પંજક ચૌધરીએ જણાવ્યું હતું કે, કમિશનને તેનો રિપોર્ટ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. વર્તમાન સમયરેખાને જોતાં રિપોર્ટ 2027 સુધીમાં આવવાની સંભાવના છે. જોકે, સરકારે હજુ સુધી ભલામણોના અમલીકરણ માટેનો રોડમેપ જાહેર કર્યો નથી કે તબક્કાવાર યોજના વિકસાવવામાં આવી છે કે નહીં.
કેન્દ્ર સરકારના બજેટ પર કેટલું બોજ?
સંસદમાં એ સવાલ પણ ઉઠ્યો હતો કે, 8મા પગારપંચની ભલામણ લાગુ થવાથી કેન્દ્ર સરકારના બજેટ પર કેટલું બોજ પડશે. આ મામલે સરકારે કહ્યું કે, હાલના ધોરણે કિંમતનું આકલન કરવું શક્ય નથી. કમિશનની ભલામણ અને સરકાર દ્વારા તેનો સ્વીકાર કર્યા બાદ તેમાં વાસ્તવિક નાણાકીય પ્રભાવનો અંદાજ લગાવી શકાશે. એનો મતલબ છે કે, બજેટની યોજના કમિશનના અંતિમ રિપોર્ટ બાદ તૈયાર કરાશે.
આ પણ વાંચો: ‘વંદે માતરમ્’ માટે નવા નિયમો જાહેર: રાષ્ટ્રગાન પહેલાં ગાવું પડશે રાષ્ટ્રગીત, ઊભા થવું ફરજિયાત
12 ફેબ્રુઆરી, 2026ના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત
આ દરમિયાન, કર્મચારી સંગઠનોએ સરકાર પર દબાણ વધારવાનું શરૂ કર્યું છે. કોન્ફેડરેશન ઑફ સેન્ટ્રલ ગવર્નમેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ(CCGEW)એ 12 ફેબ્રુઆરી, 2026ના રોજ દેશવ્યાપી એક દિવસીય હડતાળની જાહેરાત કરી છે. તેમની માંગણીઓમાં 20% વચગાળાની રાહત, મોંઘવારી ભથ્થાનું 50% મૂળ પગાર સાથે મર્જર, અને NPS નાબૂદ અને જૂની પેન્શન યોજના(OPS)ના અમલીકરણનો સમાવેશ થાય છે. સંસદમાં પ્રશ્નો અને રસ્તાઓ પર વધતા દબાણ વચ્ચે બધાની નજર 8મા પગારપંચના અમલીકરણ પર રહેશે.

















