S-400 India-Russia Defense Deal : ભારત-રશિયા વચ્ચે એક મહત્ત્વની સંરક્ષણ ડીલની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભારત સરહદને વધુ મજબૂત કરવા માટે રશિયા પાસેથી વધુ પાંચ નવા S-400 એર ડિફેન્સ ખરીદવાની તૈયારીમાં છે. જો ડીલ પર મહોર વાગી જશે તો ભારતના કાફલામાં કુલ 10 S-400 એર ડિફેન્સ સિસ્ટમ આવી જશે. મીડિયા રિપોર્ટ મુજબ ભારત રશિયા પાસેથી આ સિસ્ટમ ખરીદવા માટે ઝડપી પ્રયાસો શરૂ કરી દીધા છે.
DAC સંરક્ષણ સોદાઓને અપાઈ હતી મંજૂરી
આ પહેલા ભારતીય સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) દ્વારા 12 ફેબ્રુઆરીએ અનેક ઐતિહાસિક સંરક્ષણ સોદાઓને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં ભારત રશિયા પાસેથી રૂ.10,000 કરોડના ખર્ચે વિશ્વની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ S-400 માટે વધુ 288 મિસાઇલો ખરીદવા પર મહોર મારવામાં આવી હતી. ગયા વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન S-400ની પ્રચંડ તાકાત જોઈને સમગ્ર વિશ્વ દંગ રહી ગયું હતું, ત્યારે આ નવી ખરીદી ભારતની આકાશી સરહદોને એક મજબૂત કિલ્લામાં ફેરવી દેશે.
India to buy 5 new squadrons of S-400 Sudarshan air defence system from Russia
Read @ANI Story | https://t.co/mo46SHnvn0#IAF #S400 #SudarshanAirDefenceSystem #Russia pic.twitter.com/DlZN29cyCi
— ANI Digital (@ani_digital) March 2, 2026
ઓપરેશન સિંદૂર: S-400નો સચોટ પ્રહાર
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન S-400 સિસ્ટમે પાકિસ્તાની વિમાનો અને તેમના સૈન્ય મથકો પર જે રીતે સચોટ પ્રહાર કર્યા હતા, તેનાથી ભારતીય સેનાના આત્મવિશ્વાસમાં મોટો વધારો થયો છે. એ સમયે આ સિસ્ટમે સરહદ પાર 314 કિમી સુધી ઊંડે જઈને હુમલો કરી પાકિસ્તાનને પોતાનું એરબેઝ ખસેડવા મજબૂર કરી દીધું હતું. આ ભવ્ય સફળતાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના હવે S-400ના વધુ 5 સ્ક્વોડ્રન અને રશિયા પાસેથી ‘પેન્ટસર'(Pantsir) શોર્ટ રેન્જ સિસ્ટમ ખરીદવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જો આ સોદો સફળ થશે, તો ભવિષ્યમાં ભારત પાસે S-400ના કુલ 10 સ્ક્વોડ્રન હશે, જે કોઈપણ ડ્રોન કે મિસાઇલ હુમલાને નિષ્ફળ બનાવીને દેશની સુરક્ષાને અભેદ્ય બનાવશે.
ભારતે S-400નો ઉપયોગ કર્યા બાદ રશિયા પણ દંગ
S-400 સિસ્ટમ રશિયાએ બનાવી છે. પરંતુ ભારતે કૌશલ્યપૂર્વક તેનો ઉપયોગ કરતાં રશિયા પણ દંગ બન્યું હતું. હાલના સંઘર્ષોમાં લાંબા અંતરના હવાઈ હુમલાનો ઉલ્લેખ ઘણો ઓછો છે. ફેબ્રુઆરી, 2024માં યુક્રેને રશિયાનું A-50 જાસૂસી વિમાન 200 કિમીના અંતરેથી તોડી પાડવાનો દાવો કર્યો હતો. 2022માં રશિયાએ યુક્રેનનું SU-27 150 કિમીના અંતરે ટાર્ગેટ બનાવ્યું હતું. પરંતુ ભારતનો 300 કિમીનો આ હુમલો અભૂતપૂર્વ રહ્યો હતો. અત્યાર સુધીમાં ભારત પાસે રશિયાએ બનાવેલી પાંચ S-400 સિસ્ટમ છે, જેમાંથી ત્રણ ભારત-પાકિસ્તાન અને ભારત-ચીન સરહદ પર તૈનાત છે.
આ પણ વાંચો : ઓમાનના દરિયામાં 21 ક્રૂ મેમ્બર લઈને જતા જહાજ પર ડ્રોન હુમલો, ભયાનક વિસ્ફોટ, એક ભારતીયનું મોત
S-400ની અન્ય ખાસિયત
- આ સિસ્ટમમાં ચાર જાતની મિસાઇલનો સમાવેશ કરવામાં આવે છે.
- આ સિસ્ટમ દ્વારા લોન્ગ રેન્જની મિસાઇલ 400 કિમીની રેન્જ ધરાવે છે.
- મિડિયમ રેન્જની મિસાઇલ હોય તો 250 કિલોમીટરની રેન્જ અને શોર્ટ રેન્જ હોય તો 120 કિલોમીટરની રેન્જ ધરાવે છે.
- ત્રણેય મિસાઇલ સાથે ક્લોઝ રેન્જની મિસાઇલ પણ આવે છે.
- આ મિસાઇલ 40 કિલોમીટરની અંદરના ટાર્ગેટને દૂર કરવા માટે સક્ષમ છે.
- આ સિસ્ટમમાં ઍડ્વાન્સ રડાર સિસ્ટમ છે. 92N6E ગ્રેવસ્ટોન ટ્રેકિંગ રડાર અને 96L6 ચીઝબોર્ડ એક્વિઝિશન રડારની મદદથી 360 ડિગ્રીનું પ્રોટેક્શન મળે છે.
- આ સિસ્ટમ 600 કિલોમીટર દૂરથી ટાર્ગેટને શોધી કાઢે છે.
- આ સિસ્ટમ એક સમયે 300 ટાર્ગેટને શોધી કાઢે છે અને 36 ટાર્ગેટનો એક સાથે ખાતમો કરી શકે છે.
- આ સિસ્ટમને દરેક સંજોગોમાં કામ કરી શકે એ રીતે બનાવવામાં આવી છે.
- ઈલેક્ટ્રોનિક સિગ્નલ માટે જેમર લગાવવામાં આવ્યા હોય તો પણ આ સિસ્ટમ એ તોડીને કામ કરી શકે છે.
- આ સિસ્ટમને ટ્રક પર લગાવવામાં આવી છે અને એ રોડ પર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ઓફ-રોડ 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે.
- આ સિસ્ટમ જ્યારે ચાલી રહી હોય ત્યારે એને અટેક માટે તૈયાર કરવા માટે ફક્ત પાંચ મિનિટનો સમય લાગે છે.
- સ્ટેન્ડબાય મોડ પર હોય ત્યારે એ ફક્ત 35 સેકન્ડ્સમાં અટેક કરી શકે છે.
S-400નો પ્રથમવાર 2001માં ઉપયોગ કરાયો
રશિયા દ્વારા S-400ને 1980ના દાયકામાં બનાવવાનું શરુ કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમનો પહેલી વાર ટેસ્ટ 1999માં કરવામાં આવ્યો હતો. રશિયા દ્વારા પહેલી વાર એને 2001માં ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે ત્યાર બાદ એમાં જે સુધારા જરૂરી લાગે એ કરવામાં આવ્યાં અને 2007માં એનું પ્રોડક્શન શરુ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદથી રશિયા આર્મ ફોર્સ દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે. રશિયાની સાથે અન્ય દેશો પાસે પણ આ સિસ્ટમ છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ખામેનેઈના મોત મુદ્દે જમ્મુ-કાશ્મીરમાં હિંસક દેખાવો, ટોળાને વિખેરવા લાઠીચાર્જ, ટિયર ગેસના શેલ છોડ્યા















