T20 World Cup Final in Ahmedabad : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે T20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ યોજાવા જઈ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને આખા શહેરમાં દિવાળી જેવો માહોલ છે. મેચ ભલે સાંજે શરૂ થવાની હોય, પણ સ્ટેડિયમની બહાર અત્યારથી જ ચાહકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ રોમાંચક ફાઈનલ પૂર્વેની પળેપળની વિગતો સાથેનો LIVE ન્યૂઝ રિપોર્ટ:
અમદાવાદના રસ્તાઓ પર ભારતીય ચાહકોનું માનવ મહેરામણ

‘લાલા’ પણ પહોંચ્યા સ્ટેડિયમ: ક્રિકેટ અને ભક્તિનો સંગમ
અમદાવાદમાં ક્રિકેટને માત્ર રમત નહીં પણ ધર્મ માનવામાં આવે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફેન્સનું આગમન શરૂ થઈ ગયું છે. કેટલાક ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ ‘લાલા’ને પણ પોતાની સાથે લઈને આવ્યા છે. હાથમાં તિરંગો અને મુખે જય શ્રી કૃષ્ણના નાદ સાથે ફેન્સમાં એવો જુસ્સો છે કે ભારત આજે આ ફાઈનલ જીતીને જ રહેશે.
દેશ-વિદેશથી ક્રિકેટ ફેન્સ પહોંચ્યા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
સ્ટેડિયમમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત: સુરક્ષાના કડક આયોજન
ફાઈનલ મેચને લઈને પોલીસ તંત્ર સજ્જ છે. 8 DCP, 14 ACP અને 27 PI સહિત 1,800 થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત છે. સુરક્ષા માટે નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે:
સીસીટીવી દેખરેખ: 256 કેમેરા દ્વારા પળેપળની નજર.
મેટલ ડિટેક્ટર: 102 ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર લગાવાયા છે.
ખાસ ટીમો: BDDS ની 4 ટીમો અને NDRF ની એક ટીમ સ્ટેડિયમમાં સ્ટેન્ડબાય રહેશે.

ખેલાડીઓ પહોંચ્યા હનુમાનજીના શરણે: વિજય માટે પ્રાર્થના
ગઈકાલે ભારતીય ક્રિકેટરોએ અમદાવાદના પ્રખ્યાત ચમત્કારિક હનુમાનજી મંદિરે દર્શન કર્યા હતા. ફાઈનલ મેચમાં જીત મેળવવા માટે ખેલાડીઓએ દાદાના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું. ખેલાડીઓની આ આસ્થા સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચામાં છે.
ટ્રાફિક મેનેજમેન્ટ: 744 જવાનો રસ્તા પર
સ્ટેડિયમ તરફ આવતા રસ્તાઓ પર ટ્રાફિક જામ ન થાય તે માટે 744 અધિકારીઓ અને કર્મીઓ ખડેપગે છે. હોમગાર્ડ અને TRB ના 700 જવાનો ટ્રાફિક નિયમન માટે ખાસ તૈનાત કરવામાં આવ્યા છે.















