![]()
LPG Gas Crisis: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતમાં LPG ગેસની સ્થિતિ ચિંતાજનક છે. એવામાં આજે રાજ્યસભામાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ થયું હતું.
‘LPGની અછતના કારણે હાહાકાર’
કોંગ્રેસ પ્રમુખ ખડગેએ કહ્યું કે, આજે દેશમાં LPGની અછતના કારણે હાહાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગરીબ, નબળા, મધ્યમ વર્ગના પરિવારો પર તેની સૌથી વધુ અસર થઈ રહી છે. ભારત 60 ટકા LPG આયાત કરે છે જેમાંથી 90 ટકા હોર્મુઝ સ્ટ્રેટ થઈને આવે છે. એવામાં લોકો પરેશાન થઈ રહ્યા છે. નાના રેસ્ટોરન્ટ અને હોસ્ટેલ પ્રભાવિત થયા છે. લોકો 5 5 હજાર રૂપિયા આપીને ગેસ સિલિન્ડર ખરદીવા મજબૂર છે. સરકાર દાવો કરે છે કે LPGની અછત છે જ નહીં, પણ હકીકત તો દાવાઓ કરતાં તદ્દન જુદી જ દેખાઈ રહી છે.
વૈકલ્પિક વ્યવસ્થા કેમ ન કરી?: કોંગ્રેસ
ખડગેએ વધુમાં કહ્યું કે, સરકાર LPG અંગે સ્થિતિ સ્પષ્ટ કરે. સરકારે મિડલ ઈસ્ટના લોકો માટે એડવાઈઝરી જાહેર કરી ત્યારથી જ ખબર હતી કે ઓઈલ અને ગેસની સપ્લાય પ્રભાવિત થશે જ. ક્ષેત્રમાં તણાવ વધશે તેવા સંકેત પહેલા જ મળી ગયા હતા. એવામાં જો પહેલાથી જ સરકારે કોઈ યોજના બનાવીને વૈકલ્પિક વ્યવસ્થા કરી હોત, તો આજે દેશમાં આવી સ્થિતિ ના થઈ હોત. સરકારે સંકટને ગંભીરતાથી લીધું નહીં જેના પરિણામ સામાન્ય નાગરિકો અને વેપારીઓએ ભોગવવા પડી રહ્યા છે.
કોંગ્રેસ રાજકારણ કરવા લાગે છે!: સરકાર
ખડગેના જવાબમાં કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાએ કહ્યું કે, દેશમાં જ્યારે જ્યારે સંકટ આવે ત્યારે કોંગ્રેસ રાજકારણ કરવા લાગે છે. કોંગ્રેસના એક નેતા જ LPG ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી કરતાં ઝડપાયા છે. આજે LPGની સ્થિતિ ઉત્પન્ન થઈ છે જેમાં ભારતનું કોઈ યોગદાન નથી. મને દુ:ખ છે કે કોંગ્રેસ સંકટના સમયે પણ રાજકારણ કરે છે. LPGનું આ સંકટ ભારતના કારણે નથી થયું, આપણું કોઈ યોગદાન નથી. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે આ સંકટ ઊભું થયું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઈડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે
નડ્ડાએ વધુમાં કહ્યું કે, જ્યારે અમારા પેટ્રોલિયમ મંત્રી સદનમાં બોલી રહ્યા હતા ત્યારે આ લોકો સાંભળવા માટે પણ તૈયાર નહોતા. કોંગ્રેસ દેશના શાંતિપ્રિય લોકોને ભડકાવવાના પ્રયાસ કરી રહી છે. સંકટના સમયે દેશની સાથે ઊભા થવાને બદલે કોંગ્રેસ ખળભળાટ મચાવી અરાજકતાની સ્થિતિ પેદા કરવા માંગે છે.















