![]()
– ચેક બાઉન્સના કેસમાં ગારિયાધાર અને મહુવા કોર્ટનો ચુકાદો
– બન્ને શખ્સને કોર્ટે દંડ ફટકાર્યો, રકમ ન ચૂકવે તો વધુ સજાનો હુકમ
ભાવનગર : ગારિયાધાર અને બાલાપર ગામના શખ્સોને એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ દાખલ થયેલા કેસમાં કોર્ટે એક-એક વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો છે.
રાજુલાના બાલાપર ગામે રહેતો અનક શામળાભાઈ કામળિયા નામના શખ્સે તેના કુટુંબી સાળા સામતભાઈ લાખુભાઈ શીઢા (રહે, તાવેડા, તા.મહુવા) પાસેથી ખાતર અને બિયારણ માટે હાથઉછીના રૂા.૮૦,૦૦૦ અને ત્યારબાદ જમીન ઉપર લેણું થઈ ગયનું જણાવી બે મહિનાની બોલીએ વધુ ત્રણ લાખ મળી કુલ રૂા.૩,૮૦,૦૦૦ની રકમ લીધી હતી. જેની ઉઘરાણી કરતા શખ્સે આપેલો ચેક બાઉન્સ થતાં સામતભાઈએ તેમના વકીલ મારફત અનક કામળિયા સામે ચેક રિટર્ન અંગેની ફરિયાદ કરી હતી. જે કેસ મહુવાના એડી. ચીફ જ્યુડી. મેજિ.ની કોર્ટમાં ચાલી જતાં ન્યાયધીશ એચ.બી. શર્માએ આરોપી અનક કામળિયાને તકસીરવાન ઠેરવી એક વર્ષ સાદી કેદની સજા અને ચેકની બમણી રકમ રૂા.૭.૬૦ લાખનો દંડ તેમજ દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસ સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.
બીજા કેસમાં ગારિયાધારના પાલિતાણા રોડ, બાગ-એ-અમન સોસાયટીમાં રહેતા ઈબ્રાહીમભાઈ આદમભાઈ મહેતર પાસેથી ઈમરાન ઈનુલહકભાઈ લોહિયા (રહે, મફતનગર, નવાગામ રોડ, દિલાવર પાન પાછળ, ગારિયાધાર) નામના શખ્સે પત્નીને મગજની બીમારી હોય, દવાખાને લઈ જવાનું કહીં હાથઉછીના રૂા.૯૯,૦૦૦ લીધા હતા. ત્યારબાદ બાકીની રકમની ઉઘરાણી કરતા શખ્સે આપેલો ચેક બાઉન્સ થતાં ઈબ્રાહીમભાઈએ પોતાના વકીલ મારફત શખ્સ સામે એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ કરી હતી. આ કેસમાં ગારિયાધારના જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસ એચ.આર. ઠક્કરે આરોપી ઈમરાન લોહિયાને કસુરવાન ઠેરવી એક વર્ષ સાદી કેદની સજા અને રૂા.૯૯,૦૦૦નો દંડ, જો દંડની ચકમ ન ચૂકવે તો વધુ બે માસ સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે.















