![]()
અમદાવાદ, બુધવાર
અમદાવાદમાં રહેતા અને અગાઉ મોરબીમાં વ્યવસાય કરતા વ્યક્તિને રાજકોટ સ્થિત ક્રેડિટ સોસાયટીમાંથી પાંચ કરોડની લોન અપાવવાનું કહીને એક મહિલા અને તેના પતિ સહિત ચાર લોકોએ રૂપિયા ૭૩ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઇમબ્રાંચમાં નોંધવામાં આવી છે.ઇસનપુર કૃષ્ણ કોર્નર સોસાયટીમાં રહેતા નીશાબેન સંઘાણીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના પતિ કમલેશભાઇ અગાઉ મોરબીમાં ટાઇલ્સનો વ્યવસાય કરતા હતા. તેમને ધંધાકીય કામ માટે નાણાંની જરૂર હોવાથી મોરબીમાં જ રહેતા અબ્દુલ રસીદે જણાવ્યું હતુ કે રાજકોટના લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલા ત્રિવેણી સંગમ એપાર્ટમેન્ટમાં રહેતા સુનિલગીરી ગોસ્વામી અને તેની પત્ની સંગીતા ક્રિષ્ણા ક્રેડિટ સોસાયટી ધરાવે છે.
જે લોન કરી આપશે. જેથી કમલેશભાઇ બંનેને મળ્યા હતા અને તેમણે પાંચ કરોડની લોનની ખાતરી આપી હતી અને પ્રોસેસ ફી તેમજ અન્ય નામે નાણાં માંગીને તબક્કા વાર ૭૩ લાખ રૂપિયા લીધા હતા. જે અન્ય કોઇ વ્યક્તિને ખાતામાં જમા કરાવતા હતા. પરંતુ, ત્યારબાદ પણ લોન ન થતા કમલેશભાઇએ નાણાં પરત માંગ્યા હતા. પરંતુ, બંને જણાએ નાણાં પરત નહી આપીને છેતરપિંડી આચરી હતી.















