Morning Vs Night Bath Benefits: મોટાભાગના લોકો સ્નાન કરવાને માત્ર રોજિંદી સફાઈની એક આદત માને છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સ્નાનનો સમય પણ તમારી તબિયત પર સીધી અસર કરે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, સ્નાન કરવાનો યોગ્ય સમય તમારી દિનચર્યા, ઊંઘ અને શરીરની જરૂરિયાતો પર આધાર રાખે છે. જ્યાં સવારનું સ્નાન શરીરને ઊર્જાવાન અને સક્રિય બનાવે છે, ત્યાં રાત્રે સ્નાન કરવાથી શરીરને આરામ મળે છે. જો તમે દિવસભરના કામથી થાકી જતા હોવ અથવા તણાવ અનુભવતા હોવ, તો રાત્રે સ્નાન કરવું તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.
ઊંઘની સમસ્યાનો સરળ ઉકેલ: રાત્રિ સ્નાન
રાત્રે સૂતા પહેલા હૂંફાળા પાણીથી સ્નાન કરવાથી સ્નાયુઓનો જકડાઈ જવાનો પ્રશ્ન દૂર થાય છે અને મન શાંત થાય છે. સ્નાન કર્યા પછી જ્યારે શરીરનું તાપમાન ધીમે-ધીમે ઘટે છે, ત્યારે મગજને ઊંઘ માટેનો સંકેત મળે છે, જેનાથી જલ્દી અને ઊંડી ઊંઘ આવવામાં મદદ મળે છે. આ ઉપરાંત, આખો દિવસ બહાર રહેવાથી શરીર પર ધૂળ, પરસેવો અને પ્રદૂષણના જે કણો જામી જાય છે, તે રાત્રે સ્નાન કરવાથી સાફ થઈ જાય છે. ખાસ કરીને જે લોકોની ત્વચા સંવેદનશીલ છે અથવા જેમને એલર્જી અને ખીલની સમસ્યા રહે છે, તેમના માટે રાત્રે સ્નાન કરવું વધુ લાભદાયી છે કારણ કે તેનાથી ત્વચાના રોમછિદ્રો સાફ રહે છે અને ચેપનું જોખમ ઘટે છે.
આ પણ વાંચો: મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં
શરીર અને મન માટે રાત્રિનું સ્નાન ઉત્તમ
રાત્રે સ્નાન કરવાની આદત એક સારી દિનચર્યા બનાવવામાં પણ મદદરૂપ થાય છે. જો તમે દરરોજ એક નિશ્ચિત સમયે સ્નાન કરો અને ત્યારબાદ મોબાઈલથી દૂર રહીને કોઈ પુસ્તક વાંચવાની આદત કેળવો, તો તમારી ઊંઘની ગુણવત્તામાં મોટો સુધારો આવી શકે છે. જોકે, સવારે નહાવું પણ ખોટું નથી કારણ કે તે શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ લાવે છે. ટૂંકમાં, જો તમને ઊંઘની સમસ્યા હોય કે દિવસના અંતે સંપૂર્ણ આરામ જોઈતો હોય, તો રાત્રે સ્નાન કરવું એ તમારા સ્વાસ્થ્ય માટે એક ઉત્તમ પસંદગી છે.














