![]()
– બીયુ પરમિશન/ફાયર એનઓસીનો અભાવ અને દબાણ
– બંને એકમોને રૂપિયા એક-એક લાખનો દંડ : બંને એકમોને અગાઉ નોટિસ આપી પુરાવાઓ રજૂ કરવા જણાવાયું હતું
આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં બીયુ પરમિશન/ફાયર એનઓસી વગર વાણિજ્ય હેતુસર ઉપયોગમાં લેવાતા હોટલ ‘બાપુનો ઓટલો’ અને અનઅધિકૃત રીતે કરેલ દબાણ માટે ‘રોસેટા કાફે’ સીલ એકમોને સીલ કરવામાં આવ્યા હતા. તેમજ બંને એકમોને રૂપિયા એક-એક લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આ ઝુંબેશ અંતર્ગત કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ દ્વારા ૮૦ ફૂટના રોડ ઉપર સરદાર બેન્કવેટ હોલ પાસે આવેલી ‘બાપુનો ઓટલો’ હોટલ અને સંકેત રોડ ઉપર દેવ શ્રી ગોલ્ડ કોમ્પલેક્સમાં આવેલા ‘રોસેટા કાફે’ ખાતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. જે તપાસણી દરમિયાન ‘રોસેટા કાફે’ માજનની જગ્યામાં અનઅધિકૃત દબાણ, ગેરકાયદેસર બાંધકામ કરેલું હોવાથી ‘રોસેટા કાફે’ને અને જરૂરી પરવાનગીઓ જેવી કે બિનખેતી પરવાનગી, બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી અને ફાયર એનઓસી વગર ચાલતી હોટલ ‘બાપુનો ઓટલો’ ને આમ બંનેને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને જરૂરી પુરાવાઓ રજૂ કરવા જણાવ્યું હતું.
હોટલ ‘બાપુનો ઓટલો’ અને ‘રોસેટા કાફે’ના માલિક /કબજેદાર દ્વારા જરૂરી પુરાવાઓ રજૂ ન કરતા કોઈપણ પ્રકારની મહાનગરપાલિકાની મંજૂરી વગર ચલાવવામાં આવતા હોવાનું માલુમ પડતા તેમજ બિન પરવાનગીથી વાણિજ્ય હેતુની પ્રવૃત્તિઓ ચાલતી હોવાથી તાત્કાલિક અસરથી આ બંને એકમોને સીલ કરવામાં આવ્યા છે અને બંને એકમોનેને રૂપિયા એક-એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. મનપાના એસ્ટેટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, મહાનગરપાલિકા વિસ્તારમાં બીયુ પરમિશન, ફાયર એનઓસી વગર વાણિજ્ય હેતુસર ઉપયોગમાં લેવામાં આવતી હોટલ, રેસ્ટોરન્ટ ખાતે તપાસણી ચાલુ રહેશે અને આવી હોટલ તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવશે અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, તેવી મનપાના એસ્ટેટ વિભાગના અધિકારી દ્વારા ચેતવણી આપવામાં આવી છે.















