![]()
Narmada Uttarvahini Panchkoshi Parikrama 2026: નર્મદામાં ‘ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા’નો વિશેષ મહત્ત્વ છે. આ પરિક્રમા દરમિયાન રેંગણથી રામપુરા ઘાટ આવવા માટે ફરજિયાત બોટનો ઉપયોગ કરવો પડતો હોય છે. જેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા ગોવાથી સ્પેશિયલ 18 બોટ મંગવામાં આવી છે.
પરિક્રમામાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના
ભારતીય સંસ્કૃતિમાં આસ્થા અને સાધનાનું કેન્દ્ર ગણાતી ‘ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા’નો 19 માર્ચ 2026(ચૈત્ર સુદ એકમ)થી વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. નર્મદા નદીનું વહેણ ઉત્તર દિશામાં વહેતું હોય છે, જેથી એક મહિના સુધી પંચકોશી પરિક્રમા કરવામાં આવે છે. આ વર્ષે એક મહિનામાં 15 લાખ કરતાં વધારે શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા આવે તેવો અંદાજ છે. જેમાં પરિક્રમા દરમિયાન રેંગણથી રામપુરા ઘાટ આવવા માટે બોટમાં બેસવું પડતું હોય છે.
60થી 70 ભક્તો બેસવાની વ્યવસ્થા
આ બંને ઘાટ વચ્ચે બોટ સેવાના સંચાલનને લઈને સ્થાનિક નાવિકો મળીને કુલ 60થી 70 ભક્તો એક સાથે બોટમાં બેસી શકશે. ચૈત્ર મહિનામાં ગરમી હોય છે, ત્યારે ભક્તોને ગરમી ન લાગે એ માટે સ્પેશિયલ ગોવાથી છત વાળી બોટ મંગવામાં આવી છે. આ સ્પીડ બોટ દ્વારા રેંગણથી રામપુરા ઘાટ માત્ર 6 મિનિટમાં પહોંચી શકાશે, સામાન્ય રીતે ફિસિંગ બોટમાં 20 મિનિટ જેટલો સમય લાગતો હોય છે.
ગોવાથી મંગાવવામાં આવેલી સ્પેશિયલ બોટમાં વોશરૂમ સહિતની સુવિધા છે. તેમજ બોટમાં બે એન્જિન હોવાથી જો એક એન્જિનમાં કોઈ ખામી સર્જાય તો બીજા એન્જિનથી યાત્રા ચાલું રખાશે. આમ, ‘ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા’માં ભક્તોને કોઈ પ્રકારે અગવડતા ન પડે તેને લઈને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.















