Ahmedabad News : અમદાવાદના વટવામાં ‘એક ફૂલ ઓર દો માળી’ જેવી ઘટના સામે આવી છે. જેમાં એક જ યુવકના પ્રેમમાં પાગલ બે પ્રેમિકાને સમગ્ર મામલે જાણ થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક પ્રેમિકાએ તેના સાથીદારો સાથે મળીને બીજી યુવતીનું રિક્ષામાં અપહરણ કરીને માર માર્યો અને કાતરથી વાળ કાપી જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલવાને લઈને વટવા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
એક જ પ્રેમી માટે બે પ્રેમિકાઓ બાખડી
પોલીસ ફરિયાદ મુજબ, અમદાવાદ શહેરના વટવામાં રહેતી પ્રિયા(નામ બદલ્યું છે, ઉં.વ.30) વિપુલ ઉર્ફે ધિરેન્દ્ર નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. આ અંગે ભારતી પટણી નામની અન્ય યુવતીને જાણ થઈ હતી. ભારતી પણ વિપુલની પ્રેમિકા હોવાનું જણાય છે. ગત 14 માર્ચ 2026ના રોજ પ્રિયા જ્યારે ભારતી, પારૂલ પટણી અને સાગર મારવાડી સાથે રિક્ષામાં જઈ રહી હતી, ત્યારે ભારતીએ પ્રિયાને જાતિ વિષયક અપશબ્દો કહ્યા હતા. આ દરમિયાન ભારરતી, પારૂલ અને સાગર ત્રણેયએ એકબીજાની મદદગારી કરીને પ્રિયાને શરીરે ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ ભારતીએ પ્રિયાને અપમાનિત કરવાના ઈરાદે કાતર વડે માથાના વાળ કાપી નાખ્યા હતા. આ ઝપાઝપી દરમિયાન પીડિત પ્રિયાનો 8,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ પણ રિક્ષામાંથી પડી ગયો હતો.
શું હતી સમગ્ર ઘટના?
આ ઘટના અંગે મળતી વિગતવાર માહિતી મુજબ, પ્રિયા આશરે અઢી વર્ષ પહેલાં વટવાની જીંદાલ કંપનીમાં નોકરી કરી હતી, ત્યારે રિક્ષાચાલક વિપુલ સાથે તેનો પરિચય થયો હતો. આ પછી બંનેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કરી ફોન પર વાતચીત કરતા હતા. જો કે, છેલ્લા દોઢેક મહિનાથી વિપુલ ભારતીના સંપર્કમાં આવતા તેણે પ્રિયા સાથે વાત કરવાનું ઓછું કરી દીધું હતું. ગત 14 માર્ચ 2026ના રોજ પ્રિયાએ વિપુલને ફોન કર્યો ત્યારે ભારતીએ ફોન ઉપાડી તમે કોણ બોલો છો? તેમ પૂછતા પ્રિયાએ કહ્યું કે, “હું બોલું છું અને મારે વિપુલ સાથે વાત કરવી છે”. ત્યારબાદ ભારતી, પારૂલ અને સાગર સાગર નામના શખસ સાથે પ્રિયાને મળવા તેઓ તેના ઘરે પહોંચ્યા હતા અને વિપુલ સાથે વાત કરાવવાના બહાને પ્રિયાને રિક્ષામાં બેસાડી લઈ ગયા હતા.
રિક્ષામાં હતા તે દરમિયાન પ્રેમ પ્રકરણ બાબતે ભારતીએ પ્રિયાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “હું વિપુલને પ્રેમ કરું છું અને મારે તેની સાથે લગ્ન કરવાના છે”, જેના જવાબમાં પ્રિયાએ પણ કહ્યું કે, “હું પણ આ વિપુલને પ્રેમ કરું છું”. આ વાત સાંભળતા જ ભારતી ઉશ્કેરાઈ ગઈ હતી અને પ્રિયાને જ્ઞાતિ વિશે અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ ભેગા મળીને પ્રિયાને ગડદાપાટુનો માર મારતા ગભરાઈને પ્રિયાએ કહ્યું કે, “હવે ફરીવાર હું વિપુલ સાથે વાત કરીશ નહીં.” આ પછી આરોપીઓ પ્રિયાને પરત મૂકી ગયા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં 2.38 કરોડની નકલી નોટો ઝડપાઈ, આરોપીઓ ચીનથી હાઈ ક્વૉલિટી પેપર મંગાવી પ્રિન્ટિંગ કરતા હતા
ઉલ્લેખનીય છે કે, આ ઘટના અંગે પીડિતાએ પોતાના ભાભીને હકીકત જણાવતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે પીડિતાએ આરોપી ભારતી પટણી, પારુલ પટણી અને સાગર મારવાડી વિરુદ્ધ જાતિવિષયક અપમાન અને મારઝુડ અંગે વટવા પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાવી છે.















