![]()
વડોદરા, તા.20 શહેરના ભરચક લહેરીપુરા ગેટ પાસેની પોલીસ ચોકી નજીક ભર બપોરે એક વૃધ્ધાને દાનના બહાને લલચાવી બે ગઠિયા વૃધ્ધાની રૃા.૨.૮૫ લાખ કિંમતની સોનાની બે બંગડી તફડાવી ફરાર થઇ ગયા હતાં.
વડોદરા નજીક સમીયાલા ગામમાં બસ સ્ટેશનવાળા ફળિયામાં રહેતા ૬૫ વર્ષના ધનુબેન રાયસિંગભાઇ ઓડે વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૧૯ના રોજ સવારે હું કટલરીનો સામાન લેવા માટે મંગળબજાર શોપિંગ સેન્ટર ખાતે આવી હતી. પોણા ત્રણ વાગ્યાની આસપાસ કટલરીનો સામાન લઇને લહેરીપુરા ગેટ પાસે ચોકમાં ઊભી હતી ત્યારે બે અજાણ્યા શખ્સોએ આવી માજી તમે ક્યાં રહો છો તેમ કહેતા મેં સમીયાલા રહું છું તેવો જવાબ આપ્યો હતો.
બે પૈકી એક શખ્સે જણાવેલ કે માજી અહી દાન આપવાવાળા આવ્યા છે તમે અમારી સાથે ચાલો તેમ કહેતા હું તેમની વાતોમાં આવી ગઇ અને તેમની સાથે જૂની સાધના ટોકિઝવાળા કોમ્પ્લેક્સમાં એચડીએફસી બેંકની બાજુમાં સીડી પાસે ગઇ હતી. એક શખ્સે જણાવેલ કે તમારે દાન મેળવવું હોય તો તમે પહેરેલી સોનાની બંગડીઓ કાઢી નાંખો. તેમની વાતમાં આવી જઇને મેં મારી બંગડીઓ કાઢી મારા પર્સમાં મૂકી દીધી હતી.
બંને શખ્સોએ ફરી જણાવેલ કે દાન આપવાવાળા માણસો તમને ચેક કરશે તમારી પાસે આવી કોઇ કિંમતી વસ્તુઓ દેખાશે તો દાન નહી આપે. જેથી મેં બંગડીવાળું પર્સ મેં ખરીદેલા સામાનની થેલીમાં મૂકી દીધું હતું. બાદમાં વાતોમાં ફસાવી સોનાની બંગડી વાળુ પર્સ આંચકી બંને ફરાર થઇ ગયા હતાં. પોલીસે ઉપરોક્ત ફરિયાદના આધારે બંને ગઠિયાની શોધખોળ હાથ ધરી છે.















