![]()
વડોદરા,હરણીરોડ સંગમ ચાર રસ્તા પાસેથી બાઇક લઇને જતા ભાઇ, બહેનને કારચાલકે ટક્કર મારતા બહેન બેભાન થઇ ગઇ હતી. જે અંગે કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
આણંદ જિલ્લાના અંબાવ ગામે રહેતો ૧૮ વર્ષનો રિતેશ અશ્વિનભાઇ પઢિયાર તથા તેની બહેન ચંદ્રિકાબેન ( ઉં.વ.૨૩) ઘરેથી બાઇક લઇને ગઇકાલે હાલોલ સામાજિક પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી બપોરે તેઓ પરત આવવા નીકળ્યા હતા. બે વાગ્યે તેઓ હરણી રોડ સંગમ ચાર રસ્તા પાસેથી જતા હતા. તે દરમિયાન કારેલીબાગ પાણીની ટાંકી તરફથી પૂરઝડપે આવતી એક કારના ચાલકે તેઓને ટક્કર મારતા બંને રોડ પર પટકાયા હતા. રિતેશને હાથ તથા પગ પર ઇજા પહોંચી હતી. જ્યારે તેની બહેનને માથામાં ઇજા થતા બેભાન થઇ ગઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે અકસ્માત કરીને ભાગી ગયેલા કારચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
મોપેડ સવારને મહિલા કારચાલકે ટક્કર મારી
વડોદરા,
અકસ્માતના અન્ય એક કેસની વિગત એવી છે કે, વારસિયા આવિષ્કાર સોસાયટીમાં રહેતા ગણેશન ક્રિષ્નન ગોલ્ડન ચોકડી પાસે ગેરેજમાં નોકરી કરે છે. તેઓ ગત ૨૧ મી તારીખે સાંજે મોપેડ લઇને ઘરે આવતા હતા.તે દરમિયાન કાર ચલાવતી એક મહિલાએ ટક્કર મારતા તેઓ બાજુમાં પાર્ક કરેલી અન્ય એક કારમાં અથડાયા હતા. તેઓને ગરદન તથા પગની એડી પર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા.















