![]()
ખેડા જિલ્લામાં રામનવમીની ભક્તિભાવ સાથે ઉજવણી
કેસરામાં 11 હનુમાન ધામની ઝાંખીનું આકર્ષણ : નડિયાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સાંઈબાબા મંદિરથી ભવ્ય પાલખીયાત્રા યોજાઈ
નડિયાદ: ખેડા જિલ્લાના કેસરા ખાતે આવેલા સુપ્રસિદ્ધ બાલાજી હનુમાન મંદિરમાં રામનવમીથી હનુમાન જયંતિ સુધીના ૭ દિવસીય મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. આ વર્ષે મંદિર પરિસરમાં અયોધ્યાના રામ મંદિરની સાથે ભારતભરના ૧૧ અત્યંત લોકપ્રિય હનુમાન મંદિરોની આબેહૂબ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે, જે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. જ્યારે નડિયાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે સાઈબાબા મંદિર દ્વારા ૧૮મી ભવ્ય પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેસરા બાલાજી મંદિરમાં છેલ્લા ૭ વર્ષથી દર વર્ષે નવી થીમ સાથે ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ઉભી કરાયેલી વિશેષ થીમમાં રાજસ્થાનના સાલાસર અને મહેંદીપુર બાલાજી, સારંગપુરના કષ્ટભંજન દેવ, અમદાવાદના કેમ્પ હનુમાન, અયોધ્યાના હનુમાન ગઢી અને પ્રયાગરાજમાં બિરાજમાન સૂતેલા હનુમાનજી સહિતના વિવિધ ધામોની ઝાંખી કરાવવામાં આવી છે. આ ઉપરાંત વારાણસીના સંકટ મોચન, હંપીના યંત્ર હનુમાન અને પૂનાના ઢૂલીયા મારુતિના દર્શન પણ ભક્તો એક જ સ્થળે કરી શકશે. આ ઉત્સવ દરમિયાન દરરોજ વૈદિક યજ્ઞાશાળામાં પોરબંદરના સાંદીપની આશ્રમ, મહેમદાવાદના સિદ્ધિ વિનાયક દેવસ્થાન અને ડાકોરની વિપ્રપદ સંસ્થા દ્વારા વિશેષ યજ્ઞાો કરવામાં આવશે. રાત્રિના સમયે આનંદનો ગરબો અને સુંદરકાંડ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સમગ્ર મહોત્સવનું સંચાલન મંદિરની ૩૦૦થી વધુ મહિલા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. લાખો ભક્તો આ દિવ્ય મનોકામના પૂર્ણ કરતા મંદિરમાં દર્શનનો લાભ લેશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
નડિયાદના પૂર્વમાં ડાકોર રોડ સ્થિત સાંઈબાબા મંદિર અને પશ્ચિમ વિસ્તારમાં જૂના ડુમરાલ રોડ સ્થિત સાંઈબાબા મંદિરે રામનવમીના પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સ્થાનિક સાઈબાબા મંદિર દ્વારા ભગવાનની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. મંદિર પરિસરથી વિધિવત પૂજન બાદ પ્રસ્થાન થયેલી આ યાત્રામાં ભગવાનની મનોહર પ્રતિમાને પાલખીમાં બિરાજમાન કરવામાં આવી હતી. પશ્ચિમ વિસ્તારના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ યાત્રામાં શરૂઆતથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરવા માટે પડાપડી કરી હતી અને સમગ્ર માર્ગો પર રામધૂમની ગુંજ સાંભળવા મળી હતી.
આ વર્ષની પાલખી યાત્રામાં વિશેષ આકર્ષણ તરીકે રામાયણના વિવિધ પ્રસંગોને જીવંત કરતી આકર્ષક ઝાંખીઓ તૈયાર કરવામાં આવી હતી. યાત્રામાં ૫૦૦થી વધુ લોકો જોડાયા હતા અને પરંપરાગત ઢોલ-નગારા તેમજ ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠયા હતા.















