![]()
મુંબઈ : મધ્ય પૂર્વમાં શરૂ થયેલું યુદ્ધ બીજા મહિનામાં પ્રવેશ્યું છે ત્યારે ઊર્જા પૂરવઠામાં પડેલી ખલેલને ધ્યાનમાં રાખી મહત્વના પેટ્રોકેમિકલ પ્રોડકટસ પર સરકારે ૩૦ જૂન સુધી કસ્ટમ્સ ડયૂટીમાં સંપૂર્ણ મુક્તિ જાહેર કરી છે.
હાલમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે દેશના ઉદ્યોગોને રાહત પૂરી પાડવાના ભાગરૂપ નાણાં મંત્રાલય દ્વારા આ નિર્ણય આવી પડયો છે.
ઘરઆંગણેના ઉદ્યોગોને પેટ્રોકેમિકલનો પૂરવઠો થતો રહે તથા ખર્ચના દબાણમાં ઘટાડો થાય તેવા હેતુ સાથે પણ આ જાહેરાત આવી પડી છે.
યુદ્ધને કારણે વૈશ્વિક પૂરવઠો ખોરવાઈ ગયો છે અને ભારતના ઉત્પાદકો માટે કાચા માલના ખર્ચમાં વધારો થયો છે. કસ્ટમ ડયૂટીમાં સંપૂર્ણ મુક્તિથી એવા ઉદ્યોગોને રાહત થશે જે પેટ્રોકેમિકલ કાચા માલ તથા ઈન્ટરમીડિયેટસ પર મોટો આધાર રાખે છે.
કાચા માલના ભાવ ઘટવાથી ટેકસટાઈલ, કેમિકલ્સ, ફાર્મા તથા ઓટો જેવા ઉદ્યોગોને લાભ થવાની અપેક્ષા છે. કસ્ટમ ડયૂટીમાં મુક્તિથી ફિનિશ્ડ ગુડસના વપરાશકારોને લાભ થશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
જે કેમિકલ્સને કસ્ટમ્સ ડયૂટીમાંથી મુક્તિ અપાઈ છે તેમાં મુખ્યત્વે એનહાઈડ્રોસ એમોનિઆ, સ્ટિરિન, મિથેનોલ, એસેટિક એસિડ, ફિનોલ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચોક્કસ પ્રકારના પોલિમર્સ તથા રેસિન્સને પણ મુક્તિની યાદીમાં સમાવી લેવાયા છે.
ઉદ્યોગોને રાહત પૂરી પાડવા આ અગાઉ સરકારે પેટ્રોલ તથા ડીઝલ પરની એકસાઈઝ ડયૂટીમાં ઘટાડો કર્યો છે.















