![]()
Surat Corporation : સુરત પાલિકાની ચૂંટણીમાં ભાજપના ગઢ એવા અડાજણ વિસ્તારમાં અનોખો વિરોધ જોવા મળ્યો હતો. ભાજપે ઉમેદવાર જાહેર કર્યા તેમાં અડાજણનો કોઈ ઉમેદવાર ન હોવાથી ગામલોકોએ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. આજે રાત્રે અડાજણ વિસ્તારમાં ગામના લોકો ભેગા થયા હતા અને કોઈ પણ પક્ષે ગામનો ઉમેદવાર આપ્યો નથી તેથી મતદાન નહી કરીએ તેવી વાત કરતા વાતાવરણ ગરમાયું હતું.
સુરત પાલિકાની ચૂંટણી માટે ગઈકાલે ભાજપની યાદી જાહેર થયા બાદ અનેક જગ્યાએ વિરોધ અને અન્યાયની વાત બહાર આવી રહી છે. આજે બપોરે ખોડીયાર માતાના મંદિર પાસે અડાજણ વિસ્તારના કેટલાક લોકો ભેગા થયાં હતા અને કોઈ પણ રાજકીય પક્ષે ગામના ઉમેદવાર આપ્યા નથી. આ વિસ્તાર હંમેશા ભાજપ સાથે રહ્યો છે તેમ છતાં ભાજપે પણ અડાજણ વિસ્તારના ઉમેદવારની બાદબાકી કરી છે તેવું કહીને ચૂંટણી બહિષ્કારની વાત કરી હતી.
આજે રાત્રીના મહિલાઓ સહિત 100થી વધુ લોકો અડાજણ વિસ્તારમાં ભેગા થયાં હતા અને ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ કોંગ્રેસ કે આપ કોઈપણ રાજકીય પક્ષે અડાજણ વિસ્તારનો ઉમેદવારની પસંદગી કરી નથી. રાજકીય પક્ષોએ ગામના ઉમેદવાર પસંદ કર્યો નથી તેથી આગામી ચૂંટણીમાં ઉમેદવાર નથી તો વોટ પણ નહીં મળે તેવું કહીને ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવા માટેની ચીમકી આપી છે. આજે સામુહિક વિરોધ થયા બાદ ભાજપ સહિત રાજકીય પક્ષો ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરે છે તેના પર સૌની નજર રહેશે.















